2026માં ભારતમાં મોબાઈલ ફોનના ભાવમાં વિશ્વનો સૌથી મોટો ઉછાળો

નવી દિલ્હી: વર્ષ 2026માં વૈશ્વિક સ્તરે મોબાઈલ ફોનની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ ભારતમાં આ વધારો સૌથી વધુ રહ્યો છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના ગ્લોબલ સંશોધન મુજબ, વિશ્વભરમાં સ્માર્ટફોનની રિટેલ કિંમતોમાં સરેરાશ 15 ટકાનો વધારો થયો છે, જ્યારે ભારતમાં મેમરી ચિપના વધેલા ખર્ચને કારણે સરેરાશ કિંમતોમાં ગત વર્ષની સરખામણીએ 21 ટકાનો વધારો નોંધાયો છે.

ભારતમાં ભાવવધારાની અસર વધુ જોવા મળવાનું મુખ્ય કારણ દેશનું સ્માર્ટફોન માર્કેટ છે. ભારતીય બજારમાં આશરે 51 ટકા હિસ્સો રૂ.20,000થી ઓછી કિંમતના બજેટ અને મિડ-રેન્જ સ્માર્ટફોનનો છે.

ઉત્પાદન ખર્ચ વધવાથી પ્રીમિયમ ફોનની સરખામણીએ બજેટ સ્માર્ટફોનના ભાવ પર ટકાવારીની દૃષ્ટિએ વધુ અસર પડી રહી છે. કંપનીઓ માટે વધેલા ઉત્પાદન ખર્ચને બજેટ મોડેલ્સમાં જાતે શોષી લેવાની શક્યતા પણ ઓછી રહે છે.

ચીન કરતાં ભારતમાં ભાવવધારો બમણો

અન્ય બજારોની વાત કરીએ તો ચીનમાં સ્માર્ટફોનના ભાવમાં 10 ટકા, યુરોપમાં 7 ટકા અને અમેરિકામાં 5 ટકાનો વધારો થયો છે. જ્યારે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 19 ટકા, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં 18 ટકા અને લેટિન અમેરિકામાં 16 ટકાનો ભાવવધારો નોંધાયો છે.

ગ્રાહકો ખરીદી ટાળી રહ્યા છે

મોબાઈલના ભાવમાં થયેલા આ તીવ્ર વધારાની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પડી રહી છે. કાઉન્ટરપોઈન્ટના રિસર્ચ એનાલિસ્ટ શુભમ સિંઘના જણાવ્યા મુજબ, ઘણા ગ્રાહકો નવો ફોન ખરીદવાનું અથવા અપગ્રેડ કરવાનું ટાળી રહ્યા છે. કેટલાક ગ્રાહકો ઓછી સ્ટોરેજ ક્ષમતાવાળા અથવા 4G મોડેલ તરફ પણ વળી રહ્યા છે.

આ પરિસ્થિતિને કારણે 2026માં ભારતમાં સ્માર્ટફોનનું કુલ વેચાણ 14થી 16 ટકા સુધી ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail