કેનેડામાં પંજાબી સિંગર એમી વિર્કના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ, ગાયકનો આબાદ બચાવ

એબોટ્સફોર્ડ: કેનેડાના એબોટ્સફોર્ડ વિસ્તારમાં પંજાબી ગાયક અને અભિનેતા એમી વિર્કના કાફલા સાથે જોડાયેલી એક ગાડી પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. 5 સપ્ટેમ્બરની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને એમી વિર્કનો આબાદ બચાવ થયો છે.

સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, શનિવારે રાત્રે 11 વાગ્યા બાદ મેક્કલમ રોડ નજીક આ ઘટના બની હતી. કાળા રંગની SUVમાં આવેલા અજ્ઞાત હુમલાખોરોએ અન્ય એક વાહનને નિશાન બનાવી સતત ગોળીઓ ચલાવી હતી.

ફાયરિંગની ઘટના બાદ થોડા સમય જતાં નજીકના સનીસાઈડ પ્લેસ વિસ્તારમાંથી એક SUV સંપૂર્ણપણે સળગેલી હાલતમાં મળી આવી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સળગેલી કારનો ફાયરિંગની ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ, જે વાહન પર ગોળીબાર થયો હતો તે બુલેટપ્રૂફ હતું અને તેમાં એમી વિર્ક પોતાના શોના પ્રમોટર સાથે મુસાફરી કરી રહ્યા હતા. એમી વિર્કે તે જ સાંજે રોજર્સ ફોરમ ખાતે પોતાનો શો કર્યો હતો.

પ્રમોટર સરે સ્થિત પંજાબી રેડિયો સ્ટેશનના માલિકના પુત્ર હોવાનું કહેવાય છે. એબોટ્સફોર્ડ પોલીસની મેજર ક્રાઇમ યુનિટે તપાસ સંભાળી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail