લંડનના ATCમાં ટેકનિકલ ખામી, અમદાવાદના મુસાફરો સહિત 246થી વધુ લોકો ઝ્યુરિકમાં ફસાયા

અમદાવાદ: લંડનમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા ખોરવાઈ છે. યુકેના વિવિધ એરપોર્ટ પરથી આવતી-જતી અનેક ફ્લાઈટ્સના શેડ્યૂલ પર અસર પડી છે, જ્યારે કેટલીક ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે.

આ ખામીની અસર મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની AI-131 ફ્લાઈટ પર પણ પડી હતી. ફ્લાઈટમાં અમદાવાદના અનેક મુસાફરો સહિત 246થી વધુ મુસાફરો સવાર હતા. મંગળવારે બપોરે આશરે 1:30 વાગ્યે મુંબઈથી લંડન માટે રવાના થયેલી ફ્લાઈટને ATCમાં ટેકનિકલ ખામી સર્જાતા લંડનના બદલે ઝ્યુરિક ડાયવર્ટ કરવામાં આવી હતી.

ઝ્યુરિક પહોંચ્યા બાદ પણ મુસાફરોની મુશ્કેલી યથાવત્

ઝ્યુરિક એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ શરૂઆતમાં મુસાફરોને વિમાનમાં જ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્લાઈટ રદ કરવામાં આવી અને તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા.

ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર સંજય સૂર્યબલીએ જણાવ્યું હતું કે ફ્લાઈટ ઝ્યુરિક એરપોર્ટ પર જ છે અને બપોરે 2 વાગ્યા બાદ નવી માહિતી આપવામાં આવશે. એરપોર્ટ પ્રશાસન દ્વારા મુસાફરો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, લાંબી રાહ જોવી પડતાં મુસાફરોની મુશ્કેલી વધી હતી. કેટલાક મુસાફરોએ એરપોર્ટની બેન્ચ તેમજ જમીન પર સૂઈને રાત પસાર કરી હતી.

એર ઈન્ડિયાની મુશ્કેલીમાં વધુ વધારો

એર ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી વિવિધ ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે. ત્યારે લંડનના ATCમાં સર્જાયેલી ટેકનિકલ ખામીથી આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની કામગીરીને વધુ અસર થઈ છે. AI-131ના અમદાવાદ સહિતના મુસાફરોને લંડન પહોંચવાના બદલે ઝ્યુરિકમાં લાંબી રાહ જોવી પડી રહી છે.

હવે મુસાફરોને ઝ્યુરિકથી લંડન ક્યારે અને કેવી રીતે પહોંચાડવામાં આવશે તેમજ તેમના માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા ક્યારે થશે તેની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

Leave a Comment

Traffic Tail