બેંકો હવે BAANKNET પોર્ટલ પર કાર-વાહનોની હરાજી કરશે, લોન વસૂલાત ઝડપી બનાવવાની યોજના

નવી દિલ્હી: સરકારી અને ખાનગી બેંકો અટવાયેલી લોન (NPA)ની વસૂલાત ઝડપી બનાવવા માટે હવે જપ્ત કરાયેલા કાર અને અન્ય વાહનોની ઈ-હરાજી BAANKNET પોર્ટલ મારફતે કરશે. આ પહેલનો હેતુ વાહનોની હરાજી પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને ઝડપી બનાવવાનો છે, જેથી બેંકો બાકી નાણાં વહેલી તકે વસૂલ કરી શકે.

BAANKNETને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તેને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના VAHAN પોર્ટલ અને RTO ચલણ સેવાઓ સાથે જોડવામાં આવશે. આ વ્યવસ્થાથી હરાજીમાં ભાગ લેનાર લોકોને વાહનની બ્રાન્ડ, મોડેલ, લોકેશન તેમજ અગાઉના ટ્રાફિક ચલણ સહિતની જરૂરી માહિતી એક જ પ્લેટફોર્મ પર મળી શકશે.

BAANKNETનું સંચાલન PSB Alliance દ્વારા કરવામાં આવે છે. આ પોર્ટલ પર અત્યાર સુધીમાં 87,000થી વધુ મિલકતોની સફળતાપૂર્વક હરાજી થઈ છે. જુલાઈ 2024થી અત્યાર સુધીમાં બેંકોએ આ માધ્યમથી આશરે ₹72,000 કરોડની મિલકતો સામે લગભગ ₹34,000 કરોડની વસૂલાત કરી છે.

હવે મિલકતો ઉપરાંત વાહનોને પણ હરાજી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવતા બેંકોની વસૂલાતમાં વધુ વધારો થવાની આશા છે. નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને ટેક્નોલોજી અને સેવાઓ પરસ્પર શેર કરવાની પણ સલાહ આપી છે.

આ ઉપરાંત નાના વેપારીઓ અને MSME ક્ષેત્રની ₹5 કરોડથી ઓછી લોનની વસૂલાત માટે પણ સમાન ડિજિટલ કલેક્શન પ્લેટફોર્મ વિકસાવવામાં આવી રહ્યા છે. સરકારના મતે, આવા પ્લેટફોર્મથી બેંકોનો ઓપરેટિંગ ખર્ચ ઘટશે અને લોન વસૂલાતની પ્રક્રિયા વધુ અસરકારક બનશે.

નાણાકીય વર્ષ 2025-26માં જાહેર ક્ષેત્રની બેંકોે ₹1.98 લાખ કરોડનો રેકોર્ડ નફો નોંધાવ્યો છે. બેંકોની સુધરેલી એસેટ ક્વોલિટી વચ્ચે વાહનોની ડિજિટલ હરાજીની આ નવી વ્યવસ્થા બેડ લોન ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.

Leave a Comment

Traffic Tail