કાઠમંડુ: નેપાળમાં તાજેતરમાં આવેલા ભીષણ પૂર અને જળ હોનારતની પીડા હજુ શમી નથી ત્યાં મંગળવારે રાત્રે દેશના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કાઠમંડુ, મુસ્તાંગ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર લોમન્થાંગ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા નેપાળના વિવિધ વિસ્તારો ઉપરાંત તિબેટમાં પણ અનુભવાયા હતા. ગુસતાંગ, બાગલુંગ અને ધૌલાગિરી સહિતના પર્વતીય વિસ્તારોમાં પણ ધરા ધણધણી હતી.
ભીષણ જળ હોનારત બાદ આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને અનેક લોકો ભયના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, હાલ સુધી ભૂકંપના કારણે જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
ભૂકંપને પગલે સ્થાનિક અધિકારીઓએ સતર્કતા વધારી દીધી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ પ્રકારની આપત્તિ સર્જાય તો સમયસર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય.









