લાજપોર જેલમાં બંધ ‘માન્યા ડુક્કર’ સામે ખંડણીનો નવો કેસ, બિલ્ડર પાસે રૂ.15 લાખ માગ્યાનો આરોપ

લિંબાયતમાં બાંધકામ સાઇટ પર ધસી જઈ કોન્ટ્રાક્ટર-શ્રમિકોને ધમકાવ્યા, અગાઉ ચપ્પુ બતાવી રૂ.10 હજાર પડાવ્યાનો આક્ષેપ

સુરતમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં જેલમાં બંધ કુખ્યાત સાગર ઉર્ફે ‘માન્યા ડુક્કર’ સામે વધુ એક ગુનો નોંધાતા ચકચાર મચી છે. લિંબાયત વિસ્તારમાં બિલ્ડરને ધમકાવી રૂ.15 લાખની ખંડણી માગ્યાનો આરોપ છે. આ સાથે બાંધકામ સાઇટ પર ધસી જઈ કોન્ટ્રાક્ટર અને શ્રમિકોને ધમકાવી કામ બંધ કરાવ્યાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

ચપ્પુ બતાવી રૂ.10 હજાર પડાવ્યાનો પણ આક્ષેપ

ફરિયાદ મુજબ, સાગર ઉર્ફે માન્યા ડુક્કર અગાઉ પણ બિલ્ડર પાસેથી ચપ્પુ બતાવી બળજબરીપૂર્વક રૂ.10 હજાર પડાવી ચૂક્યો હતો. ત્યારબાદ આરોપીએ વધુ રૂ.15 લાખની ખંડણીની માગણી કરી હતી.

આરોપી અને તેની સાથેના શખ્સોએ લિંબાયતની બાંધકામ સાઇટ પર પહોંચી કોન્ટ્રાક્ટર તથા ત્યાં કામ કરતા શ્રમિકોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. આ ઘટનાથી સાઇટ પર ભયનો માહોલ સર્જાયો હતો અને બાંધકામનું કામ બંધ થઈ ગયું હતું.

હત્યાના કેસ બાદ હવે ખંડણીનો ગુનો

ભાજપ કાર્યકરની હત્યા કેસમાં આરોપી બન્યા બાદ માન્યા ડુક્કર હાલ લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમ છતાં તેની સામે અગાઉની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો વધુ એક ખંડણીનો કેસ સામે આવ્યો છે.

લિંબાયત પોલીસે ફરિયાદના આધારે માન્યા ડુક્કર સામે ધાકધમકી, લૂંટ અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેલમાં બંધ આરોપીની પૂછપરછ માટે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

Leave a Comment

Traffic Tail