2020-21ની પરીક્ષામાં પેપર લીક કરી ઉમેદવારો પાસેથી રૂ.3 કરોડથી વધુ વસૂલ્યાનો આરોપ; ઉત્કર્ષ ચંદ્રાકરની ધરપકડ
રાયપુર: છત્તીસગઢ લોક સેવા આયોગ (CGPSC)ની ભરતી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની ટીમોએ રાયપુર, દુર્ગ, ધમતરી અને જશપુર સહિત પાંચ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસને વધુ તેજ બનાવી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 2020 અને 2021ની CGPSC પરીક્ષાના પેપર લીક કરીને ઉમેદવારો પાસેથી રૂ.3 કરોડથી વધુની રકમ વસૂલવામાં આવી હોવાનો આરોપ છે. આ રકમમાંથી આશરે રૂ.2.80 કરોડ અનિલ ચંદ્રાકરને આપવામાં આવ્યા હોવાની પણ તપાસ એજન્સીને માહિતી મળી છે.
ઉત્કર્ષ ચંદ્રાકરની ધરપકડ
EDએ મની લોન્ડરિંગના એંગલથી તપાસ આગળ વધારતાં PMLA હેઠળ કાર્યવાહી કરી હતી. આ કેસમાં 1 સપ્ટેમ્બરે ઉત્કર્ષ ચંદ્રાકરની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સી હવે પેપર લીકથી મેળવવામાં આવેલા નાણાંનો પ્રવાહ અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
દરોડામાં દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત
EDના સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, બેંક ખાતાઓ સંબંધિત વિગતો, સંપત્તિના કાગળો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ સામગ્રીના આધારે કૌભાંડમાં સામેલ લોકો અને નાણાકીય વ્યવહારોની કડીઓ શોધવામાં આવી રહી છે.
આ કેસમાં CGPSCના તત્કાલીન અધ્યક્ષ તામન સિંહ સોનવાણી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે પણ FIR નોંધાઈ છે. હવે ED દ્વારા સમગ્ર ભરતી કૌભાંડનું નેટવર્ક કેટલું વિસ્તરેલું છે અને તેમાં અન્ય કયા લોકોની સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









