ભારતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને સત્તાવાર નકશા મુજબ દર્શાવવાની વાત કરતા પાકિસ્તાને ફરી ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો
વિશ્વ નકશા અંગે ભારતે પોતાનું સ્પષ્ટ વલણ રજૂ કર્યા બાદ પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરી છે. ભારતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિતના પોતાના તમામ પ્રદેશોને સત્તાવાર નકશા મુજબ દર્શાવવાની વાત કરતાં પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર અંગે પોતાના વિવાદિત અને પાયાવિહોણા દાવાઓનું પુનરાવર્તન કર્યું છે.
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નકશા અંગે રજૂ કરાયેલા પ્રસ્તાવને લઈને ભારતે સ્પષ્ટ કર્યું હતું કે દેશના સાર્વભૌમ પ્રદેશોનું ચિત્રણ અધિકૃત ભારતીય નકશા મુજબ જ થવું જોઈએ. ભારતના આ વલણ બાદ પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા સામે આવી છે.
ભારતે કહ્યું- સરહદો અને પ્રદેશોનું ખોટું ચિત્રણ સ્વીકાર્ય નહીં
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સંયુક્ત રાષ્ટ્રમાં સમાન અંતરના વિશ્વ નકશા અંગેના ઠરાવ પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત ભારતના સમગ્ર પ્રદેશને ભારતના અધિકૃત નકશા અનુસાર જ દર્શાવવો જોઈએ.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેની સરહદો અખંડ અને અટલ છે. ભારતીય પ્રદેશોનું કોઈપણ પ્રકારનું ખોટું, ભ્રામક અથવા અયોગ્ય ચિત્રણ ભારત માટે સ્વીકાર્ય નથી.
ભારતે ઠરાવની તરફેણમાં મતદાન કરતાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેનો હેતુ વિશ્વના વિવિધ ખંડો અને પ્રદેશોના વાસ્તવિક કદને યોગ્ય રીતે રજૂ કરવાનો છે. જોકે, આ ઠરાવને કોઈ ચોક્કસ રાજકીય નકશા અથવા આંતરરાષ્ટ્રીય સીમાઓની માન્યતા તરીકે જોવામાં ન આવે.
પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો
ભારતના નિવેદન બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને રાજદૂત સજ્જાદ હૈદર ખાને મીડિયાના સવાલોના જવાબ આપતાં ભારતના દાવાઓને ફગાવી દીધા હતા.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડા પર રહેલા જૂના વણઉકેલાયેલા વિવાદોમાંનો એક છે. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો કે સંયુક્ત રાષ્ટ્રના સત્તાવાર નકશામાં કાશ્મીરને વિવાદિત વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યો છે.
પાકિસ્તાને વધુમાં રટણ કર્યું કે ભારત દ્વારા કરવામાં આવેલા એકપક્ષીય દાવાઓથી કાશ્મીરની કથિત વિવાદિત સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. આ રીતે વિશ્વ નકશા અંગે ભારતના સ્પષ્ટ વલણના જવાબમાં પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવાનો પ્રયાસ કર્યો છે.









