નેપાળમાં વિનાશક પૂરનો કહેરઃ 1300થી વધુ મોત, 5 હજાર લોકો લાપતા; આજે રાષ્ટ્રીય શોક

કાઠમંડુ: નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલન બાદ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. રવિવાર બાદ સોમવારે 7 સપ્ટેમ્બરે સરકાર દ્વારા પૂર પીડિતોની યાદમાં રાષ્ટ્રીય શોક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સરકારી કચેરીઓ અને વિદેશમાં આવેલા નેપાળના દૂતાવાસોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

મૃતકોનો આંકડો 1300ને પાર

રાસુવા સહિતના વિસ્તારોમાં બોટેકોશી અને ત્રિશૂલી નદીના તોફાની પ્રવાહે ભારે તબાહી મચાવી હતી. તાજેતરના સત્તાવાર આંકડા મુજબ 1,342 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 5 હજાર લોકો હજુ લાપતા છે. અનેક લોકોની ઓળખ પણ હજુ થઈ શકી નથી.

ઘર, રસ્તા અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટો તબાહ

ભયાનક પૂરમાં હજારો મકાનો, પુલો, રસ્તાઓ અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. અનેક હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં પણ લોકો ફસાયા હોવાની આશંકા છે. સુરક્ષા દળો અને બચાવ ટીમો હજુ પણ કાટમાળ તથા ટનલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

હજુ પણ જીવિત બચવાની આશા

ભારે વિનાશ વચ્ચે રેસ્ક્યૂ ટીમોને તાજેતરમાં કેટલાક લોકોને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે વિશેષ ટીમો સતત કામગીરી કરી રહી છે. સરકારનું કહેવું છે કે મૃતકોની ઓળખ અને લાપતા લોકોની શોધ સાથે રાહત-બચાવ કામગીરી પણ ચાલુ રહેશે.

Leave a Comment

Traffic Tail