રાજકોટ પહોંચે તે પહેલાં જ દારૂ ભરેલી કાર ઝડપાઈ : રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટમાં દારૂનો જથ્થો પહોંચે તે પહેલાં જ રૂરલ એલસીબીની ટીમે ભાડલા નજીક કાર્યવાહી કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 684 બોટલ દારૂ મળી આવતાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. દારૂ, કાર અને બે મોબાઇલ સહિત કુલ રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે દારૂ મંગાવનાર રાજકોટના બે શખ્સો ફરાર થઈ ગયા હતા.

રૂરલ એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરી હેઠળ પીએસઆઈ પી.એન. ભરવાડ સહિતની ટીમ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બોટાદ તરફથી દારૂ ભરેલી કાર રાજકોટ તરફ આવવાની ચોક્કસ બાતમી મળતાં ભાડલાના દહીસરા ગામ નજીક વીરપુર ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન કાર નંબર GJ-03-JL-0030ને અટકાવી તપાસ કરતાં કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 684 બોટલ દારૂ મળી આવી હતી. પોલીસે રૂ.1.52 લાખનો દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કારચાલકની ઓળખ રવિ ભીખુ ગિડા, રહે. આજી વસાહત, ખોડીયારપરા, રાજકોટ તરીકે થઈ હતી. તેની પૂછપરછમાં દારૂનો જથ્થો બોટાદના રતનપર ગામેથી રાજકોટ લઈ આવતો હોવાનું સામે આવ્યું હતું.

વધુ તપાસમાં રવિ સાથે રાજકોટના પ્રતિક ઉર્ફે મયુર બાબુ ગિડા અને પૃથ્વી વલકુ ધાંધલ પણ દારૂ લેવા ગયા હોવાનું બહાર આવ્યું હતું. બંને આગળ પાયલોટિંગ કરી રહ્યા હતા, પરંતુ પોલીસની કાર્યવાહી દરમિયાન નાસી છૂટ્યા હતા. બંનેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ખાખીજાળીયામાં વાડીમાંથી 223 બોટલ દારૂ ઝડપાયો : ખેડૂતની ધરપકડ

ખાખીજાળીયા ગામની વાહવાડી સીમમાં ભાયાવદર પોલીસે દરોડો પાડી વાડીમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે બે પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની 223 બોટલ કબજે કરી હતી.

ભાયાવદર પોલીસ સ્ટેશનના એએસઆઈ શક્તિસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે મહાવીરસિંહ ચુડાસમા પોતાની વાડીએ વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં મહાવીરસિંહ ટપુભા ચુડાસમા મળી આવ્યો હતો. વાડીની ઓરડીમાં તપાસ કરતાં બે પ્લાસ્ટિકના બાચકામાંથી દારૂની કુલ 223 બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ.40 હજારનો દારૂનો મુદ્દામાલ કબજે કરી મહાવીરસિંહ ચુડાસમાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો ઝાંઝમેર ગામના યોગીરાજસિંહ ચુડાસમા પાસેથી લાવતો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે યોગીરાજસિંહને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Leave a Comment

Traffic Tail