દિલ્હી-એનસીઆરમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ મંગળવારે પણ યથાવત્ રહ્યો છે. સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડતાં રાજધાનીમાં જનજીવન ભારે અસરગ્રસ્ત બન્યું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થવા જેવી સ્થિતિ સર્જાઈ છે અને મુખ્ય માર્ગો પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે.
ભારે વરસાદના કારણે દિલ્હી-એનસીઆરના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે સેન્ટ્રલ દિલ્હી, ઈસ્ટ દિલ્હી, ન્યૂ દિલ્હી, નોર્થ દિલ્હી, નોર્થ-ઈસ્ટ દિલ્હી, શાહદરા, સાઉથ દિલ્હી અને વેસ્ટ દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાજવીજ તથા ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
ગુરુગ્રામમાં વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિને પગલે વહીવટીતંત્રે સાવચેતીના પગલાં લીધા છે. કોર્પોરેટ ઓફિસો, સરકારી વિભાગો અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને વર્ક ફ્રોમ હોમ તથા ઓનલાઈન ક્લાસ ચલાવવાની સૂચના આપવામાં આવી છે.
દિલ્હીમાં લુટિયન્સ, મથુરા રોડ, કોનોટ પ્લેસ, ભૈરો માર્ગ, આઈટીઓ, સદર બજાર, સંગમ વિહાર, જનકપુરી અને જખીરા અન્ડરપાસ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સરાય કાલે ખાં, દ્વારકા એક્સપ્રેસવે અને સેન્ટ્રલ દિલ્હીના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ભારે વરસાદને પગલે રાજધાનીના અનેક વિસ્તારો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.









