વિમાની ભાડામાં 32%નો ભડકો : રેલવે, વીમા અને ટેલિકોમ સેવા પણ મોંઘી

દેશમાં સર્વિસ સેક્ટરની કિંમતોને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂનના સર્વિસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI)ના પ્રાથમિક આંકડા જાહેર કર્યા છે. આંકડા મુજબ વિવિધ સેવાઓના ભાવમાં વધારો-ઘટાડાનું મિશ્ર વલણ જોવા મળ્યું છે.

સૌથી મોટો ભાવવધારો હવાઈ મુસાફરીની સેવાઓમાં 31.94 ટકા નોંધાયો છે. એટલે કે વાર્ષિક ધોરણે વિમાની મુસાફરીના ભાવમાં લગભગ 32 ટકાનો જંગી વધારો થયો છે. આ ઉપરાંત પેન્શન ફંડ મેનેજમેન્ટ સેવાઓના ભાવમાં પણ 5.20 ટકાનો વધારો નોંધાયો છે.

રેલવે સેવાઓમાં 1.27 ટકા, ઇન્શ્યોરન્સ સેવાઓમાં 0.98 ટકા અને ટેલિકોમ સેવાઓમાં 0.72 ટકા સુધીનો ભાવવધારો થયો છે. જેના કારણે મુસાફરી, વીમો અને મોબાઇલ-ટેલિકોમ જેવી રોજિંદી સેવાઓ પણ મોંઘી બની છે.

જોકે કેટલીક સેવાઓમાં ઘટાડો નોંધાતા ગ્રાહકો અને રોકાણકારોને થોડી રાહત મળી છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શનના ભાવમાં 1.30થી 1.32 ટકાનો ઘટાડો નોંધાયો છે. બેંકિંગ સેવાઓના પ્રાઇસ ઇન્ડેક્સમાં પણ 3.35થી 3.5 ટકાનો ઘટાડો થયો છે. જોકે બેંકિંગ સર્વિસ કન્ટ્રીબ્યુશન ઇન્ડેક્સમાં વાર્ષિક ધોરણે 6.9 ટકાનો વધારો નોંધાયો છે.

હાલ સરકાર બેંકિંગ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન, પેન્શન ફંડ મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ, ટેલિકોમ, રેલવે અને એર પેસેન્જર સહિત કુલ સાત સેવાઓને આવરી લઈને સર્વિસ PPI તૈયાર કરી રહી છે. આ સાતેય સેવાઓ સમગ્ર સર્વિસ સેક્ટરનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરતી ન હોવાથી તેમને હાલ કોઈ ચોક્કસ વેઈટેજ આપવામાં આવ્યું નથી. સરકાર નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિકના સર્વિસ PPIના આંકડા 25 નવેમ્બરે જાહેર કરશે.

Leave a Comment

Traffic Tail