80% સ્વદેશી જલયાન ઓછા ઊંડા પાણીમાં સબમરીન શોધી તેનો નાશ કરવામાં સક્ષમ
ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. દેશનું ત્રીજું સબમરીન વિરોધી શેલો વોટર ડ્રાફ્ટ વોટરક્રાફ્ટ નૌકાદળને સોંપવામાં આવ્યું છે. આ આધુનિક જલયાનનું નામ સૌરાષ્ટ્રના ઐતિહાસિક શહેર માંગરોલના નામ પરથી ‘I.N.S. માંગરોલ’ રાખવામાં આવ્યું છે.
ઓછા ઊંડા પાણીમાં કામગીરી કરવા માટે વિશેષ રીતે તૈયાર કરાયેલું આ વોટરક્રાફ્ટ દુશ્મનની સબમરીન શોધવા અને તેનો સામનો કરવા માટે સક્ષમ છે. દરિયામાં પેટ્રોલિંગ ઉપરાંત મોટા યુદ્ધ જહાજોની સુરક્ષા કરવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
બંદરોની સુરક્ષા માટે પણ ઉપયોગી
I.N.S. માંગરોલમાં આધુનિક સોનાર અને રડાર સિસ્ટમ લગાવવામાં આવી છે. સોનારની મદદથી દરિયાની અંદર રહેલી સબમરીન તથા અન્ય વસ્તુઓ શોધી શકાય છે, જ્યારે રડાર દ્વારા આસપાસના વિસ્તારમાં નજર રાખી શકાય છે.
આ વોટરક્રાફ્ટ સમુદ્રી સુરંગો શોધવા તેમજ દરિયાઈ સુરક્ષા સંબંધિત કામગીરી કરવા માટે પણ સક્ષમ છે. ખાસ કરીને બંદરો અને તેની આસપાસના વિસ્તારોમાં તેની ઉપયોગિતા વધુ રહેશે.
80 ટકા સ્વદેશી ટેક્નોલોજી
I.N.S. માંગરોલમાં આશરે 80 ટકા સ્વદેશી ટેક્નોલોજી અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં દુશ્મનના જહાજો સામે ટોર્પિડો અને સમુદ્રી રોકેટ જેવા હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા પણ છે.
આધુનિક સાધનોથી સજ્જ આ જલયાન દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા ઉપરાંત જરૂર પડ્યે ઝડપી કાર્યવાહી કરી શકશે.
સૌરાષ્ટ્રના માંગરોલને સન્માન
માંગરોલનો ભૂતકાળમાં મહત્વપૂર્ણ વેપારી અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. આ ઐતિહાસિક ઓળખને ધ્યાનમાં રાખીને નૌકાદળના આ મહત્વપૂર્ણ વોટરક્રાફ્ટને ‘I.N.S. માંગરોલ’ નામ આપવામાં આવ્યું છે.
આ જલયાનના સામેલ થવાથી ભારતીય નૌકાદળની એન્ટી-સબમરીન વોરફેર, દરિયાઈ દેખરેખ અને બંદર સુરક્ષા ક્ષમતા વધુ મજબૂત બનશે.









