મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શનાળા રોડ પર ગુ.હા. બોર્ડ, ગરબી ચોક નજીક વાસુભાઈ ભરતભાઈ લખતરીયાના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બે અલગ-અલગ બ્રાન્ડની કુલ 75 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.17,600 હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે દારૂનો જથ્થો કબજે કરી વાસુભાઈ લખતરીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સાપ કરડવાથી યુવતી હોસ્પિટલમાં
ટંકારા તાલુકાના વિરપર ગામે જય અંબે પેકેજિંગ ખાતે રહી કામ કરતી શીતલબેન ઠાકોર (25)ને સાપ કરડતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પાણીની કુંડીમાં પડી 8 માસના બાળકને ઈજા
ટંકારા તાલુકાના સજનપર ગામે જયેશભાઈની વાડીમાં મજૂરી કામ કરતા પરિવારનો 8 માસનો બાળક પ્રતિક રાકેશભાઈ પરમાર રમતી વખતે પાણીની કુંડીમાં પડી ગયો હતો. બનાવ બાદ 108 મારફતે બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
અજાણ્યા ટ્રકની અડફેટે યુવાન ઘાયલ
વાંકાનેર હાઇવે પર જાંબુડિયા ગામ નજીક ઓવરબ્રિજ પાસે પગપાળા પસાર થઈ રહેલા 20 વર્ષીય જગાભાઈ વિંજુવાડિયાને અજાણ્યા ટ્રકચાલકે અડફેટે લીધો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પેટલાદથી ગુમ યુવતી મોરબીમાંથી મળી
પેટલાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તા.13 ઓગસ્ટે ગુમ થયેલી 22 વર્ષીય ઉમીયાબેન તળપદાની શોધખોળ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. તેના આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારની લક્ષ્મી સોસાયટીમાં તપાસ કરતાં ઉમીયાબેન વિજય ઠાકોર (18) સાથે મળી આવી હતી. બંનેને પોલીસે હસ્તગત કરી વધુ તપાસ માટે પેટલાદ લઈ જવામાં આવ્યા હતા.
બાઇક આડે કૂતરું ઉતરતાં અકસ્માત
મોરબીના ઘુંટુ રોડ પર ગોપાલ કાંટા પાસે જૂના સ્મશાન સામે બાઇક આડે અચાનક કૂતરું ઉતરી આવતા બાઇક સ્લીપ થઈ હતી. અકસ્માતમાં વીસીપરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય સચિન મોરવાડિયાને ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
ભૂલથી કપડાં ધોવાનું લિક્વિડ પી જતાં બાળક હોસ્પિટલમાં
મોરબીના વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા બે વર્ષીય જોહન સાજીદ શેખે બપોરના સમયે ભૂલથી કપડાં ધોવાનું લિક્વિડ પી લીધું હતું. તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જાંબુડિયામાં બાળકોના ઝઘડામાં બે પરિવારો સામસામે
મોરબીના જાંબુડિયા ગામે શેરીમાં બાળકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. ઘટનામાં અજય હરજીભાઈ આકરીયા કોળી (21)ને ચેતન, રોહિત સહિતના શખ્સોએ માર માર્યો હતો. બીજી તરફ હંસાબેન સનુરા (42)ને અજય, રાજુ અને અનિલ સહિતના શખ્સોએ માર માર્યો હતો. બંને પક્ષના ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.









