યુવા મતદારો પર નજર, ગુજરાત સહિત 7 રાજ્યોની ચૂંટણી માટે અત્યારથી કવાયત
નવી દિલ્હી: ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ પક્ષે હવે આગામી વિધાનસભા ચૂંટણીઓ અને 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને ચૂંટણી મોડમાં મૂકી દીધું છે. નવી ટીમના હોદ્દેદારો સાથે દિલ્હીમાં યોજાયેલી બેઠકોમાં આગામી ચૂંટણીની રણનીતિ ઉપરાંત યુવા મતદારો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ કનેક્ટ મજબૂત કરવા પર ભાર મૂકાયો હોવાનું જાણવા મળે છે.
જમીનથી સોશિયલ મીડિયા સુધી સંગઠન સક્રિય થશે
ભાજપની નવી વ્યૂહરચનામાં યુવા પેઢી ખાસ કરીને જેન-ઝી અને જેન-આલ્ફા સાથે સીધો સંવાદ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પક્ષના નેતાઓને માત્ર પરંપરાગત રાજકીય કાર્યક્રમો પૂરતા મર્યાદિત ન રહેતા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહેવા સૂચના આપવામાં આવી છે.
યુવાનોના રોજગાર, શિક્ષણ, પરીક્ષા, મોંઘવારી સહિતના પ્રશ્નો સમજવા અને તેમના સુધી સરકારની કામગીરી પહોંચાડવા માટે સંગઠનને વધુ અસરકારક બનાવવાની ચર્ચા થઈ છે.
ઉત્તર પ્રદેશ સૌથી મોટો પડકાર
આગામી સમયમાં ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશમાં 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ લઈને સંગઠનને ફરી મજબૂત કરવાની કવાયત શરૂ થઈ છે. 2029ની લોકસભા ચૂંટણી સુધી પક્ષનો રાજકીય ટેમ્પો જાળવી રાખવો ભાજપ માટે મહત્વપૂર્ણ રહેશે.
પંજાબમાં સંગઠનનો વિસ્તાર કરી બીજા ક્રમની રાજકીય તાકાત બનવું, ગુજરાતમાં પોતાનો રેકોર્ડ જાળવી રાખવો, હિમાચલ પ્રદેશમાં સત્તામાં વાપસી કરવી તથા ગોવા અને ઉત્તરાખંડમાં સત્તા જાળવી રાખવી પક્ષના મુખ્ય લક્ષ્યોમાં સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મોદીએ નવી ટીમને આપ્યા ખાસ સંકેત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી રાષ્ટ્રીય ટીમના હોદ્દેદારોને મળ્યા હતા. યુવાનો સાથે જોડાણ વધારવા માટે સોશિયલ મીડિયાનો વધુ અસરકારક ઉપયોગ કરવા તેમજ સંગઠનને ગ્રાઉન્ડ લેવલ સુધી સક્રિય કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હોવાનું જણાવાય છે.
જોકે, જેન-ઝીને ભાજપ સાથે જોડવાનો પડકાર પણ પક્ષ સામે છે. માત્ર સોશિયલ મીડિયા અભિયાન પૂરતું ન રહેતા યુવાનોના વાસ્તવિક પ્રશ્નોનું નિરાકરણ અને તેમની સાથે સતત સંવાદ જાળવવો હવે ભાજપ માટે મહત્વપૂર્ણ બનશે.
17 સપ્ટેમ્બરથી ‘સેવા-સમર્પણ’ અભિયાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં ‘સેવા-સમર્પણ’ અભિયાન યોજવાની તૈયારી છે. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીની મોદીની રાજકીય સફર, કામગીરી અને સેવા સાથે જોડાયેલા કાર્યક્રમો દ્વારા આ અભિયાનને વ્યાપક બનાવવાની યોજના છે.
વંદેમાતરમ મુદ્દે કોંગ્રેસ સામે ભાજપની નવી રણનીતિ
બીજી તરફ ‘વંદેમાતરમ’ના મુદ્દે પણ ભાજપ કોંગ્રેસને ઘેરવાની તૈયારીમાં છે. મહાત્મા ગાંધીના વંદેમાતરમ અંગેના વિચારોને આગળ ધરીને ભાજપ આ ગીતના ઐતિહાસિક મહત્વ અને સ્વતંત્રતા સંગ્રામ સાથેના સંબંધને લોકો સુધી પહોંચાડશે.
વંદેમાતરમના કેટલા અંશો ગાવા અને તેને રાષ્ટ્રગીત સમાન સન્માન આપવાના મુદ્દે રાજકીય વિવાદ વચ્ચે ભાજપ આ મુદ્દાને કોંગ્રેસના કથિત તુષ્ટીકરણ સાથે જોડીને દેશવ્યાપી અભિયાનમાં ફેરવવાની તૈયારી કરી રહ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.









