નાગપુરમાં ક્લોરીન ગેસ લીક થતાં દોડધામ : 40 લોકોની તબિયત બગડી, હોસ્પિટલમાં ખસેડાયા

મહારાષ્ટ્રના નાગપુરમાં મોડી રાત્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીક થતાં ભયનો માહોલ સર્જાયો હતો. ગોધની વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રાત્રે આશરે 1 વાગ્યે 900 કિલોગ્રામ ક્ષમતાવાળા સિલિન્ડરમાંથી અચાનક ગેસ લીક થયો હતો.

ક્લોરીન ગેસ આસપાસના રહેણાક વિસ્તારમાં ફેલાતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગેસની અસરથી અનેક લોકોને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં કુલ 40 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોતા NDRFની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રએ આસપાસના લોકોને સાવચેત કરી અસરગ્રસ્ત વિસ્તાર ખાલી કરવા અને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપી હતી.

અસરગ્રસ્ત લોકોને સ્પર્શ હોસ્પિટલ અને મેયો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા તેમજ સ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા તંત્ર દ્વારા તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail