ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની પ્રથમ બેઠકમાં યુવા વર્ગ પર મંથન

જંતરમંતરના આંદોલનનો પડઘો : જેન-ઝી અને જેન-આલ્ફાને સાધવા ભાજપની કવાયત

નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમની પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ અને સંગઠન મજબૂત કરવાની સાથે જેન-ઝી તથા જેન-આલ્ફા સાથે સંવાદ વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

દિલ્હીના જંતરમંતર ખાતે થયેલા આંદોલન બાદ યુવા વર્ગમાં શિક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને જોવા મળતા આક્રોશને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા હવે યુવાનો સુધી સીધી પહોંચ બનાવવાની રણનીતિ ઘડાઈ રહી હોવાનું જણાવાયું છે.

= નવી ટીમના પદાધિકારીઓની પ્રથમ બેઠક

ભાજપના વડામથકે નીતિન નબીન અને રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નવા રાષ્ટ્રીય પદાધિકારીઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

ગુજરાતમાંથી રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પસંદ થયેલા ડો. હેમાંગ જોષી સહિતના પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

= વંદેમાતરમના છંદોનું ગાન

બેઠકની શરૂઆતમાં વંદેમાતરમના છ છંદનું ગાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગીતને સન્માન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં વંદેમાતરમના માત્ર બે છંદ ગાવાના કોંગ્રેસના પ્રસ્તાવની ટીકા કરવામાં આવી હતી. ભાજપ દ્વારા યુવાનોમાં વંદેમાતરમના ઇતિહાસ અને મહત્વ અંગે જાગૃતિ લાવવા દેશવ્યાપી અભિયાન ચલાવવાની ચર્ચા કરવામાં આવી હતી.

= બૂથ સ્તરે સંગઠન મજબૂત કરવા ભાર

રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા નવી રાષ્ટ્રીય ટીમને આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બૂથ સ્તરે સંગઠન વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પક્ષના સંગઠનને વધુ સક્રિય બનાવવા અને આગામી રાજકીય પડકારોનો સામનો કરવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા થઈ હતી.

= યુવાનો માટે ખાસ કમિટી બનાવાશે

જેન-ઝી અને જેન-આલ્ફા સાથે સીધો સંવાદ કરવા માટે ખાસ કમિટી રચવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે. આ કમિટીનું નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કરશે.

કમિટીમાં સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના કેબિનેટ મંત્રી ઓ.પી. ચૌધરીનો સમાવેશ કરાયો હોવાનો દાવો છે.

= નવી ટીમમાં અનુભવી નેતાઓનો પણ સમાવેશ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં વસુંધરા રાજે અને રામ માધવ સહિતના અનુભવી નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. યુવા વર્ગ સાથે સંગઠનનો સંપર્ક વધારવા ઉપરાંત અનુભવી નેતાઓના માર્ગદર્શનનો ઉપયોગ કરવાની રણનીતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

= આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત

દિલ્હીમાં દિવસભર બેઠકો બાદ આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની નવી રાષ્ટ્રીય ટીમને મળશે. વડાપ્રધાન સાથેની બેઠકમાં સંગઠનને મજબૂત કરવા, આગામી ચૂંટણીઓ અને યુવા વર્ગ સુધી પહોંચવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail