પુણેની યુનિવર્સિટીમાં નોંધણી મુદ્દે બબાલ, બંને જૂથો વચ્ચે મારામારી
પુણેમાં આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના છે, પરંતુ તેમના ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ પહેલાં જ કેમ્પસમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સીઈઓપી ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં તણાવ સર્જાયો હતો.
રાહુલ ગાંધીના કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે યુવા કોંગ્રેસના કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની નોંધણી કરી રહ્યા હતા. આ દરમિયાન ABVPના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. ABVPએ આક્ષેપ કર્યો હતો કે વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજરી આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર વિરોધ શરૂ થયો હતો.
= વિરોધ બાદ હાથોહાથની મારામારી
વિરોધ ઉગ્ર બનતાં NSUI અને ABVPના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને બંને વચ્ચે હાથોહાથની મારામારી થઈ હતી. ઘટનાને કારણે યુનિવર્સિટી પરિસરમાં ભારે તણાવ ફેલાયો હતો.
મામલો વધુ વણસે તે પહેલાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જૂથોને અલગ કર્યા હતા. પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
= કાર્યક્રમ માટે 30 શરતો સાથે મંજૂરી
રાહુલ ગાંધીના ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમને લઈને પોલીસે 30 જેટલી શરતો સાથે મંજૂરી આપી છે. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને લઈને ખાસ તૈયારી કરવામાં આવી છે.
= જંતર મંતરના આંદોલન બાદ વિદ્યાર્થી મુદ્દો ચર્ચામાં
દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થી મુદ્દે થયેલા આંદોલન બાદ વિદ્યાર્થી રાજકારણ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. આંદોલન દરમિયાન ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીની FIR નોંધાવવા માટે રાહુલ ગાંધી દ્વારા લાંબા સમય સુધી ધરણાં કરવામાં આવ્યા હતા.
આ પૃષ્ઠભૂમિમાં પુણેમાં યોજાનારો ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ રાજકીય રીતે પણ મહત્વનો બની રહ્યો છે.
= કોટાથી શરૂ થયો ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ
રાહુલ ગાંધી દેશના વિવિધ શહેરોમાં ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમો યોજી રહ્યા છે. કોટાથી શરૂ થયેલો આ કાર્યક્રમ પ્રયાગરાજમાં પણ યોજાઈ ચૂક્યો છે. કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમો મારફતે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને તેમના અવાજને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પુણેમાં કાર્યક્રમ પહેલાં જ NSUI અને ABVP વચ્ચે થયેલી મારામારીથી રાજકીય માહોલ ગરમાયો છે. હવે રાહુલ ગાંધીના સંબોધન અને કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પર સૌની નજર રહેશે.









