કુદરતનો કહેરઃ જમ્મુ-કાશ્મીરમાં અચાનક પૂરથી ભારે નુકસાન 14 સ્થળે વાદળ ફાટતાં તબાહી : ધસમસતા પૂરમાં ઘર-ગાડીઓ તણાયાં, 4નાં મોત

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાઓએ અનેક વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. જુદા જુદા 14 સ્થળોએ ક્લાઉડબર્સ્ટની માહિતી સામે આવતા પહાડી વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. ધસમસતા પાણીના પ્રવાહમાં મકાનો, વાહનો અને ખેતીનો પાક તણાઈ ગયો છે.

બુધવારે રાજૌરી જિલ્લાના થાનામંડી સબ-ડિવિઝન વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. ત્યારબાદ સ્થાનિક નાળાઓમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં પૂર ફરી વળ્યું હતું. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ભારે પાણીના પ્રવાહને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન થયું છે.

રાજૌરીમાં બસ સ્ટેન્ડ સહિત અનેક વિસ્તારોમાં પાણી

વાદળ ફાટવાની અસર રાજૌરી જિલ્લાના અનેક ભાગોમાં જોવા મળી હતી. મુખ્ય બસ સ્ટેન્ડ પૂરનાં પાણીમાં તણાઈ ગયું હતું. અનેક વાહનો પાણીના ભારે પ્રવાહમાં વહી ગયા હતા, જ્યારે અનેક રહેણાંક મકાનોને પણ નુકસાન થયું છે.

પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં અનેક માર્ગો બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર કાટમાળ અને માટીનો જથ્થો આવી જતા વાહનવ્યવહાર ખોરવાયો છે. ઘરોને નુકસાન થતાં અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને કેટલાક લોકોને સરકારી શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે.

મોડી રાત્રે વાદળ ફાટતાં અચાનક પૂર

સ્થાનિકોના જણાવ્યા અનુસાર 19મીની રાત્રે આશરે 3થી 3.45 વાગ્યાની વચ્ચે વાદળ ફાટ્યા બાદ અચાનક પૂર આવ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે લોકોને સંભાળવાનો સમય પણ મળ્યો નહોતો.

પૂરના પાણીમાં મકાનો અને વાહનોની સાથે ખેતીનો પાક પણ તણાઈ ગયો છે. રસ્તાઓ, જાહેર પાયાગત સુવિધાઓ અને ખેતીની જમીનને નુકસાન પહોંચ્યું છે. અનેક વિસ્તારોમાં વીજળી અને વાહનવ્યવહારને પણ અસર થવાની સ્થિતિ સર્જાઈ છે.

વાદળ ફાટવાની એકસાથે અનેક ઘટનાઓને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail