મધ્ય પ્રદેશના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર સોમવાર-મંગળવારની મધરાત્રે આશરે 1 વાગ્યે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. છીમકા ગામ નજીક શ્રમિકોથી ભરેલી પિકઅપ વાન અને ડમ્પર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 8 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 32 જેટલા શ્રમિકો ઘાયલ થયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર હાઈવે પર અચાનક ગાયોનું ટોળું આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં પિકઅપ ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. પિકઅપ સામેથી આવી રહેલા ડમ્પર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્મતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા શ્રમિકો ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. તેઓ ડાંગરની રોપણીનું મજૂરી કામ પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા. ઘરે પહોંચે તે પહેલાં જ સર્જાયેલા અકસ્માતે અનેક પરિવારોને ઊંડા આઘાતમાં ધકેલી દીધા છે.
અકસ્મતની જાણ થતાં ગોહદ ચોરાહા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની મદદથી પિકઅપમાંથી ઘાયલોને બહાર કાઢી ગોહદ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રમિકોને વધુ સારવાર માટે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે.
પોલીસે મૃતદેહોને મોર્ચરીમાં ખસેડી મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.









