લખીસરાયમાં વીજ કરંટની અફવાથી ભાગદોડ, 7 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત; 12થી વધુ ઘાયલ
બિહારના લખીસરાયમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અશોકધામ મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જળાભિષેક માટે ઉમટેલી ભારે ભીડમાં અચાનક ભાગદોડ મચતા 7 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા, જ્યારે 12થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, મંદિર તરફ જવાના માર્ગ પર વીજળીનો થાંભલો તાર સહિત પડી ગયો હતો. સોમવારે વહેલી સવારે જળાભિષેક માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા હતા. આ દરમિયાન વીજળીના થાંભલામાં કરંટ ફેલાયો હોવાની અફવા ફેલાતા ભીડમાં અચાનક ભયનો માહોલ સર્જાયો હતો.
અફવા ફેલાતાં શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. તે સમયે લગભગ 60 હજાર લોકો લાઈનમાં ઊભા હોવાનું જાણવા મળ્યું છે. ભારે ભીડના દબાણથી બેરીકેડ તૂટી પડતાં લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા. ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
ભાગદોડની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ સારવાર કરી રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ અને ભીડ વ્યવસ્થાને લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.









