Blinkit, Zepto અને Instamart સહિત 14 યુનિટ પર FDAની તવાઈઃ લાઇસન્સ સસ્પેન્ડ

મહારાષ્ટ્રના **ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)**એ ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સાથે સંકળાયેલા યુનિટ સામે રાજ્યવ્યાપી તપાસ હાથ ધરી હતી. તપાસમાં 86 યુનિટની ચકાસણી બાદ 14 યુનિટના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલા લાઇસન્સમાં Blinkitના 5, Zeptoના 5 અને Instamartના 2 યુનિટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભગવતી સ્ટોર્સ અને સ્વિન્સ્ટા એન્ટરપ્રાઇઝિસના એક-એક યુનિટ સામે પણ કાર્યવાહી કરાઈ છે.

FDAએ તપાસ દરમિયાન 60 યુનિટને સુધારણા નોટિસ ફટકારી હતી, જ્યારે એક યુનિટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તપાસમાં સ્ટોરેજ, સ્વચ્છતા, તાપમાન નિયંત્રણ, પેસ્ટ કંટ્રોલ, કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા, FIFO-FEFO સિસ્ટમ અને ફૂડ સેફ્ટી રેકોર્ડ્સની ચકાસણી કરાઈ.

પુણેના લોહેગાંવ સ્થિત Zepto યુનિટમાં કેટલાક ખાદ્યપદાર્થો ‘યૂઝ બાય’ તારીખ બાદ પણ રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. અહીં અસ્વચ્છ સ્ટોરેજ અને પેસ્ટ કંટ્રોલમાં ખામી પણ મળી.

બીજી તરફ વાર્જે જકાત નાકા ખાતે સ્વિન્સ્ટા એન્ટરપ્રાઇઝિસના યુનિટમાં કોકરોચનો ઉપદ્રવ, કોલ્ડ ચેઇનમાં ખામી અને તાપમાન નિયંત્રણની ગંભીર સમસ્યાઓ મળી આવી હતી.

FDAએ સ્પષ્ટ કર્યું કે સમગ્ર કાર્યવાહી Food Safety and Standards Act, 2006 હેઠળ કરવામાં આવી છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી સાથે સંકળાયેલા તમામ યુનિટને ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને યોગ્ય સ્ટોરેજના નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail