અમેરિકાના પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેમાં ભારતની વૈશ્વિક છબીને લઈને મહત્વના તારણો સામે આવ્યા છે. સર્વે મુજબ વિશ્વના 45% લોકો ભારત પ્રત્યે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે. 2023 બાદ અનેક યુરોપિયન દેશોમાં ભારત અંગે સકારાત્મક વલણમાં વધારો થયો છે.
જર્મનીમાં 2023માં 47% લોકો ભારતને સારી નજરે જોતા હતા, જ્યારે હવે આ આંકડો વધીને 63% થયો છે. પડોશી દેશોમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે. શ્રીલંકામાં 79% લોકો ભારતને અનુકૂળ માને છે, જ્યારે પાકિસ્તાનમાં માત્ર 7% લોકો ભારત પ્રત્યે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે.
કેન્યા અને બ્રિટનમાં પણ ભારત અંગે સકારાત્મક વલણ વધુ જોવા મળ્યું છે. જર્મની, ઇઝરાયેલ, ઇટાલી, સ્વીડન, જાપાન અને થાઇલેન્ડમાં પણ મોટાભાગના લોકો ભારતને સારી નજરે જુએ છે.
અમેરિકામાં ભારત પ્રત્યે સકારાત્મક વલણ ઘટ્યું
અમેરિકામાં 45% લોકો ભારત અંગે સારો અભિપ્રાય ધરાવે છે, જ્યારે 50% લોકોનો અભિપ્રાય નકારાત્મક છે. 2023માં 51% અમેરિકનો ભારતને સારી નજરે જોતા હતા. એટલે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ભારતની સકારાત્મક રેટિંગમાં ઘટાડો થયો છે.
સર્વે મુજબ 30% અમેરિકનો માને છે કે ભારતની વૈશ્વિક શક્તિ વધી રહી છે, જ્યારે 54% લોકો માને છે કે ભારતના પ્રભાવમાં ખાસ ફેરફાર થયો નથી.
ભારત-પાકિસ્તાન વચ્ચે અવિશ્વાસ યથાવત્
ભારત અને પાકિસ્તાનના લોકોમાં પરસ્પર અવિશ્વાસ હજુ પણ ઊંડો છે. 78% ભારતીયો પાકિસ્તાન પ્રત્યે નકારાત્મક અભિપ્રાય ધરાવે છે, જ્યારે 90% પાકિસ્તાનીઓ ભારતને નાપસંદ કરે છે.
વૈશ્વિક શક્તિઓ અંગે બંને દેશોના અભિપ્રાયમાં પણ મોટો તફાવત છે. ભારતીયો રશિયા અને અમેરિકાને વધુ અનુકૂળ રીતે જુએ છે, જ્યારે પાકિસ્તાનીઓમાં ચીન પ્રત્યે વિશ્વાસ વધુ જોવા મળે છે.
પ્યુ રિસર્ચના તારણો મુજબ વૈશ્વિક સ્તરે ભારતની છબી હજુ સકારાત્મક છે, પરંતુ અમેરિકા સહિત કેટલાક દેશોમાં ભારત પ્રત્યેના સકારાત્મક અભિપ્રાયમાં ઘટાડો નોંધાયો છે.









