લાઠીચાર્જ-પેલેટ ગન મુદ્દે જવાબ માંગ્યો, લોકસભા-રાજ્યસભા સોમવાર સુધી સ્થગિત
નવી દિલ્હી: જંતર-મંતર ખાતેના પેપર લીક વિરોધી આંદોલન દરમિયાન લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગ અંગે જવાબદારી નક્કી કરવા વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહના જવાબની માંગ સાથે સંસદમાં ફરી હોબાળો કર્યો હતો.
લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરી કાર્યવાહી ખોરવી હતી. સંસદ પરિસરમાં પણ વિપક્ષ દ્વારા ધરણા અને દેખાવો યોજવામાં આવ્યા હતા.
કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે સંસદ પરિસરમાં હોર્ડિંગ દર્શાવી ગૃહમંત્રીની સંસદીય હાજરી અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગનો આદેશ કોણે આપ્યો તે અંગે સ્પષ્ટતા માંગેલી હતી.
સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે કોણ જવાબ આપે તે નક્કી કરવાનો અધિકાર વિપક્ષ પાસે નથી. જોકે, વિપક્ષ અમિત શાહના જવાબની માંગ પર અડગ રહ્યો હતો.
હોબાળો ચાલુ રહેતાં અંતે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.









