સુપ્રીમ કોર્ટ કડક: વીમા વગરના વાહનો સામે ચલણ, પેટ્રોલ ન આપવા પણ વિચારણા

નવી દિલ્હી: દેશમાં વીમા વગર દોડતા વાહનો અને વધતા માર્ગ અકસ્માતોને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને કડક પગલાં લેવા સૂચના આપી છે. કોર્ટે વીમા વગરના વાહનોને ઓટોમેટિક ઈ-ચલણ ફટકારવા અને ભવિષ્યમાં આવા વાહનોને પેટ્રોલ-ડીઝલ ન આપવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની ભલામણ કરી છે.

સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ દેશમાં નોંધાયેલા 30.48 કરોડ વાહનોમાંથી આશરે 16.54 કરોડ (56%) વાહનો પાસે માન્ય થર્ડ પાર્ટી વીમો નથી. આ કારણે અકસ્માતના પીડિતોને સમયસર વળતર મળવામાં મુશ્કેલીઓ સર્જાય છે.

કોર્ટે ટ્રાફિક પોલીસને વાહન પોર્ટલ અને ઈન્શ્યોરન્સ ડેટાબેઝ સાથે જોડાયેલી ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીને વીમા વગરના વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ ANPR કેમેરા દ્વારા આવા વાહનોને ઓળખી ઈ-ચલણ મોકલવાની વ્યવસ્થા વિકસાવવાની પણ સૂચના આપવામાં આવી છે.

સાથે જ કોર્ટે નવી કાર માટે થર્ડ પાર્ટી વીમાની ફરજિયાત મુદત 4 વર્ષ અને નવા દ્વિચક્રી વાહનો માટે 6 વર્ષ કરવાની સૂચના આપી છે. આ નિર્ણયનો અમલ કરવા માટે IRDAIને જરૂરી પગલાં ભરવા કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફરજિયાત વીમાનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતના પીડિતોને ઝડપથી અને યોગ્ય વળતર મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

Leave a Comment

Traffic Tail