નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંસદમાં કરવેરા અને અન્ય કાયદા સુધારા બિલ રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા આ બિલમાં ₹2,000થી વધુના UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની જોગવાઈને મંજૂરી આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
પ્રસ્તાવ મુજબ વેપારીઓને કરવામાં આવતા ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.25થી 0.40 ટકા સુધી MDR વસૂલવાની છૂટ મળી શકે છે. જોકે વ્યક્તિથી વ્યક્તિ (P2P) થતા UPI ટ્રાન્સફર સંપૂર્ણપણે ચાર્જમુક્ત રહેશે અને સામાન્ય ગ્રાહકો પર કોઈ વધારાનો બોજો નહીં આવે.
સરકારના જણાવ્યા મુજબ UPIના સતત વધી રહેલા ઉપયોગને કારણે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર અને ક્લિયરિંગ સિસ્ટમ પર સંચાલન ખર્ચમાં વધારો થયો છે. આ ખર્ચને પહોંચી વળવા MDRની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
જુલાઈ મહિનામાં 23.7 અબજ UPI ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જેમાં કુલ ₹29.9 લાખ કરોડના વ્યવહારો થયા હતા. તેમાં લગભગ 95 ટકા ટ્રાન્ઝેક્શન ₹2,000થી ઓછા હોવાથી રોજિંદા ડિજિટલ વ્યવહારો પર આ નિર્ણયની સીધી અસર થવાની શક્યતા ઓછી છે.
આ પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.









