મુંબઈ: બોલિવૂડ અને સાઉથ સિનેમામાં પોતાની દમદાર નેગેટિવ ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું છે. “લગાન”, “ગજની”, “છત્રપતિ” અને “વીરમ” સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર પ્રદીપ રાવતે લાંબા સમયથી કેન્સર સામે લડત આપ્યા બાદ અંતિમ શ્વાસ લીધા.
અભિનેતાના મેનેજર સિદ્ધાર્થે તેમના નિધનની પુષ્ટિ કરતાં જણાવ્યું કે મુંબઈના ભિવંડી સ્થિત હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
માહિતી મુજબ, લગભગ ચાર વર્ષ પહેલાં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા, પરંતુ દોઢ મહિના પહેલાં કેન્સર ફરીથી પાછું આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન તેમના પ્લેટલેટ્સનું પ્રમાણ ઝડપથી ઘટી ગયું હતું અને વાયરલ તાવને કારણે તેમની તબિયત વધુ ગંભીર બની હતી. ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા.
પ્રદીપ રાવતના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના ચાહકો, સહકલાકારો અને ફિલ્મી હસ્તીઓએ સોશિયલ મીડિયા મારફતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે.









