22 મહિના બાદ નીતિમાં મોટો ફેરફાર; સોલાર, EV અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પર પણ અસરની શક્યતા
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ચાંદીની આયાત નીતિમાં મોટો યુ-ટર્ન લેતાં આયાત પર ફરી કડક નિયંત્રણો લાગુ કર્યા છે. આયાત જકાત ફરી વધારીને 15 ટકા કરવામાં આવી છે અને સિલ્વર બાર, ઇંગોટ, પાવડર સહિતની ચાંદીની આયાત માટે હવે સરકારી લાયસન્સ ફરજિયાત બનાવાયું છે. નવા નિયમોની સીધી અસર મે મહિનાના આયાતના આંકડામાં જોવા મળી છે.
સરકારી આંકડા મુજબ મે 2026માં દેશમાં માત્ર 33 ટન ચાંદીની આયાત થઈ હતી, જે ગયા વર્ષની સરખામણીએ 94 ટકા ઓછી છે. મૂલ્યની દૃષ્ટિએ આયાત 566.22 મિલિયન ડોલરથી ઘટીને 75.57 મિલિયન ડોલર પર આવી ગઈ છે, જે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી નીચો આંકડો છે.
સરકારનું માનવું છે કે ચાંદીની વધતી આયાતને કારણે વેપાર ખાધ વધી રહી હતી. તેથી હવે માત્ર ટેરિફ વધારવા ઉપરાંત લાયસન્સિંગ સિસ્ટમ અમલમાં મૂકીને આયાતના જથ્થા પર પણ નિયંત્રણ લાવવામાં આવ્યું છે.
ચાંદી હવે માત્ર દાગીના કે રોકાણનું સાધન નથી રહી, પરંતુ સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં મહત્વના ઔદ્યોગિક કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેથી નવા નિયમોની અસર અનેક ઉદ્યોગો પર પણ જોવા મળી શકે છે.
2024માં સરકારે આયાત જકાત 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરતાં ચાંદીની આયાતમાં મોટો ઉછાળો આવ્યો હતો. વધતા આયાત બિલને ધ્યાનમાં રાખીને હવે સરકારે ફરી કડક નીતિ અપનાવી છે.
નિષ્ણાતોના મતે આગામી સમયમાં આયાત લાયસન્સની પ્રક્રિયા, સ્થાનિક રિફાઇનિંગ ક્ષમતા અને તહેવારોની સિઝનની માંગ – આ ત્રણ પરિબળો ભારતીય ચાંદીના બજારની દિશા નક્કી કરશે. સરકાર સ્થાનિક ઉત્પાદન અને રિસાયકલિંગને પ્રોત્સાહન આપી આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.









