હાઈકોર્ટમાં 342 અને નીચલી અદાલતોમાં 7,311 જગ્યાઓ ખાલી; ડ્રગ કેસો માટે વધુ ફાસ્ટટ્રેક કોર્ટની તૈયારી
નવી દિલ્હી: નીટ પેપર લીક બાદ કેન્દ્ર સરકારે ફાસ્ટટ્રેક કોર્ટની જાહેરાત કરી છે, પરંતુ બીજી તરફ દેશની અદાલતોમાં વર્ષોથી પેન્ડિંગ કેસોની ગંભીર સ્થિતિ સામે આવી છે. સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ સુપ્રીમ કોર્ટમાં 10 હજારથી વધુ કેસ છેલ્લા 10 વર્ષથી પેન્ડિંગ છે, જ્યારે દેશની હાઈકોર્ટોમાં 80 હજારથી વધુ કેસ 30 વર્ષથી વધુ સમયથી અટવાયેલા છે.
કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ માટે ન્યાયાધીશો અને સ્ટાફની અછત, પુરાવાની જટિલતા અને કેસોની વધતી સંખ્યા જવાબદાર છે. હાલમાં હાઈકોર્ટમાં મંજૂર 1,122માંથી 342 ન્યાયાધીશોના પદો તથા નીચલી અદાલતોમાં 30,868માંથી 7,311 જગ્યાઓ ખાલી છે.
સરકારે વધુમાં જણાવ્યું કે NDPS એક્ટ હેઠળ દેશભરમાં 3.96 લાખ ડ્રગ સંબંધિત કેસો હજુ પણ પેન્ડિંગ છે. હાલ 65 ફાસ્ટટ્રેક કોર્ટ કાર્યરત હોવા છતાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. સૌથી વધુ પેન્ડિંગ કેસ પંજાબ, કેરળ અને ઓડિશામાં નોંધાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વધુ ફાસ્ટટ્રેક કોર્ટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
સરકારી ભરતી પરીક્ષાના પેપર લીકના 158 કેસો વર્ષોથી અદાલતોમાં અટવાયેલા છે. કેટલાક કેસોમાં તપાસ પૂર્ણ થયા બાદ પણ ટ્રાયલ શરૂ થઈ શક્યું નથી. સરકાર હવે આવા તમામ સંવેદનશીલ કેસોને ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરી ઝડપથી નિકાલ લાવવાની દિશામાં આગળ વધી રહી છે.
ન્યાયિક માળખું મજબૂત બનાવવા અને પેન્ડિંગ કેસોનો બોજ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સ્તરે સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું સરકારે સ્પષ્ટ કર્યું છે.









