બોક્સિંગમાં ઐતિહાસિક સફળતા, મીરાબાઈ ચાનૂ, અસ્મિતા ડે અને શર્મિલા ધનકરે રચ્યો નવો ઇતિહાસ
ગ્લાસગો: કોમનવેલ્થ ગેમ્સ-2026માં ભારતીય મહિલા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનો તિરંગો ગૌરવથી લહેરાવ્યો છે. કુલ 13 ગોલ્ડમાંથી 8 ગોલ્ડ મહિલા ખેલાડીઓએ જીત્યા, જ્યારે ભારતના 39માંથી 16 મેડલ દીકરીઓના ખાતામાં આવ્યા. ભારતે કુલ 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે 39 મેડલ મેળવી મેડલ ટેલીમાં ચોથું સ્થાન જાળવી રાખ્યું.
ભારતીય બોક્સિંગ ટીમે સૌથી યાદગાર પ્રદર્શન કરતાં 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીત્યા, જેમાં મહિલા બોક્સરોએ 5 ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો. રમતોના એક જ દિવસે ભારતે 8 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા, જે દેશનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ એક દિવસનું પ્રદર્શન રહ્યું.
વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂ ગોલ્ડન હેટ્રિક કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની, જ્યારે અસ્મિતા ડે જૂડોમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. પેરા એથલીટ શર્મિલા ધનકરે પણ શોટપુટમાં ગોલ્ડ જીતી દેશને ગૌરવ અપાવ્યું.
આ સાથે ગુલવીર સિંહ એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીતનારા ભારતના પ્રથમ ટ્રેક એન્ડ ફીલ્ડ એથલીટ બન્યા. ઓસ્ટ્રેલિયા 166 મેડલ સાથે પ્રથમ અને ઇંગ્લેન્ડ 108 મેડલ સાથે બીજા સ્થાને રહ્યું.









