સૌરાષ્ટ્રમાં વરસાદથી ડેમોમાં નવા નીરની આવક: રાજકોટનો લાલપરી 90% ભરાયો, અનેક ડેમ ઓવરફ્લો

આજી-2 અને ભાદર-2માંથી પાણી છોડાયું; રાજકોટ, મોરબી અને પોરબંદર પંથકના અનેક ગામોને એલર્ટ

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદથી ડેમોમાં નવા નીરની આવકનો સિલસિલો યથાવત છે. રાજકોટ જિલ્લાના પાંચ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ડઝનથી વધુ ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. રાજકોટનો લાલપરી ડેમ 90 ટકા સુધી ભરાઈ ગયો છે, જ્યારે મચ્છુ-3, ઘોડાધ્રોઈ, આજી-2 અને ભાદર-2 ડેમ ઓવરફ્લો થયા છે. ભાદર-1 ડેમમાં પણ નવા પાણીની આવક નોંધાઈ છે.

લાલપરી ડેમમાં પાણીની સપાટી ઝડપથી વધતા વહીવટી તંત્રે નવાગામ અને બેડી ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. સાથે જ નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.

વરસાદને કારણે આજી-2 ડેમના બે દરવાજા અને ભાદર-2 ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના પગલે રાજકોટ, ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને પોરબંદર પંથકના અનેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લા ફ્લડ કંટ્રોલ સેલના જણાવ્યા અનુસાર આજી-1, ખોડાપીપર, છાપરવાડી, ઈશ્વરિયા, કરમીવ, મચ્છુ-1, ઘોડાધ્રોઈ, નાયકા, લિંબડી ભોગાવો-1, મોરસલ અને ત્રિવેણી ઠાંગા સહિતના જળાશયોમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. સતત વરસાદને પગલે જળાશયોની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પાણી છોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail