ભારત 5 અને 6 ઓગસ્ટે કરશે અત્યાધુનિક મિસાઈલ પરીક્ષણ: હિન્દ મહાસાગરમાં 2,530 કિ.મી. વિસ્તાર માટે NOTAM જાહેર

ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી પરીક્ષણની તૈયારી; અગ્નિ-6 મિસાઈલ હોવાની અટકળો તેજ

નવી દિલ્હી: ભારત પોતાની વ્યૂહાત્મક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે 5 અને 6 ઓગસ્ટે અત્યાધુનિક મિસાઈલનું મહત્વપૂર્ણ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ પરીક્ષણને ધ્યાનમાં રાખીને ભારતે હિન્દ મહાસાગરના 2,530 કિલોમીટર વિસ્તાર માટે NOTAM (Notice to Airmen) જાહેર કરીને તમામ વિમાનો અને હવાઈ સંચાલકોને આ વિસ્તારથી દૂર રહેવા સૂચના આપી છે.

સત્તાવાર માહિતી મુજબ ભારતીય નૌકાદળ દ્વારા સમુદ્ર આધારિત મધ્યમ અંતરની મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ હાથ ધરાશે. આ પરીક્ષણ દરમિયાન સમુદ્રમાંથી જમીન અને હવામાં નિશાન સાધી શકે તેવી આધુનિક મિસાઈલ ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે.

પરીક્ષણ માટે ઓડિશા કિનારા નજીક આવેલા અબ્દુલ કલામ દ્વીપ પર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. સુરક્ષા કારણોસર નિર્ધારિત વિસ્તાર દરમિયાન હવાઈ તેમજ દરિયાઈ અવરજવર પર વિશેષ પ્રતિબંધો અને તકેદારી રાખવામાં આવશે.

સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોના મતે આ પરીક્ષણ અગ્નિ-6 બેલિસ્ટિક મિસાઈલ સાથે સંબંધિત હોઈ શકે છે. ભારત અગાઉ જાહેર કરી ચૂક્યું છે કે અગ્નિ-6 આશરે 10,000 કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ તેના અંતિમ તબક્કાના પરીક્ષણો શરૂ થવાના સંકેતો પણ આપવામાં આવ્યા હતા.

ભારત પહેલેથી જ અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ કરી ચૂક્યું છે. હવે આગામી પરીક્ષણ દેશની લાંબા અંતરની હુમલાખોર ક્ષમતા અને સંરક્ષણ શક્તિ માટે વધુ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

Traffic Tail