કચ્છ જિલ્લાના રાપર પોલીસ સ્ટેશનની ટીમે ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી હાથ ધરી એક આરોપીને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે ₹5,000 કિંમતની દેશી હાથ બનાવટની બંદૂક કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રાપર પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નરશી રામજી કોલી નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું, તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તેમજ આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાપર પોલીસની આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.









