સાતમા દિવસે ત્રણ મેડલ ઉમેરાયા; બોક્સિંગમાં વધુ છ મેડલ નિશ્ચિત થતાં ભારતનો દબદબો યથાવત
ગ્લાસગો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન સતત યથાવત છે. સાતમા દિવસે ભારતે એક ગોલ્ડ અને બે સિલ્વર સહિત ત્રણ મેડલ જીતતા કુલ મેડલ સંખ્યા 15 (3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ) પર પહોંચી ગઈ છે.
દિવસની સૌથી મોટી સિદ્ધિ પુરુષોની 100 મીટર T47 પેરા સ્પર્ધામાં મળી હતી, જ્યાં દિલિપ મહાદુ ગાવિતે 10.71 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં મોહમ્મદ બેસિલ મોર્સિંગનાકાથે 10.83 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
ભારતને ત્રીજો મેડલ એથ્લેટિક્સમાં મુરલી શ્રીશંકરે અપાવ્યો હતો. પુરુષોની લોંગ જમ્પ સ્પર્ધામાં તેમણે 8.09 મીટરનો જમ્પ લગાવી સિલ્વર મેડલ જીત્યો હતો.
બોક્સિંગમાં પણ ભારતે શાનદાર દેખાવ કર્યો હતો. અંકુશ યાદવ, સાક્ષી ચૌધરી, અરુંધતી ચૌધરી, સચિન સિવાચ, નરેન્દ્ર બેરવાલ અને જેસ્મિન લેમ્બોરિયા સેમિફાઇનલમાં પહોંચતાં ભારતના વધુ છ મેડલ નિશ્ચિત થયા છે.
શોટપુટમાં મનપ્રીત કૌર મેડલથી થોડા અંતરે રહી ચોથા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે વેઇટલિફ્ટિંગમાં સંજના અપેક્ષિત સફળતા મેળવી શકી નહોતી. તેમ છતાં ભારત માટે સાતમો દિવસ મેડલોના હિસાબે અત્યંત સફળ રહ્યો છે.









