અનેક જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ; દરિયો તોફાની બનવાની શક્યતા, માછીમારોને 15 ઓગસ્ટ સુધી સમુદ્રમાં જવા મનાઈ
અમદાવાદ: રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બનવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ 31 જુલાઈથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 50 કિમી પ્રતિ કલાક સુધીના તેજ પવન સાથે હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ અમલમાં છે.
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદ અને તેજ પવનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરી છે. સાથે જ નબળા હોર્ડિંગ્સ, વૃક્ષો અને કામચલાઉ માળખાં સુરક્ષિત કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.
દરિયાઈ વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં ન જવા અને બોટની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તોફાની દરિયાની આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે.
જામનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું છે. મહત્તમ તાપમાન ઘટીને 30.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ 13.42 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.









