₹580 જમા કર્યા છતાં જવાબ ન મળ્યાનો દાવો; અરજદારે અધિકારીઓના વર્તન સામે પણ ઉઠાવ્યા સવાલ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ (TP) બ્રાંચ સામે માહિતીના અધિકાર (RTI) હેઠળ માંગવામાં આવેલી માહિતી સમયસર ન આપવાનો આક્ષેપ સામે આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, RTI અરજી બાદ વિભાગ તરફથી ફી ભરવા અંગેનો પત્ર અને મેસેજ મળ્યા હતા, જેના આધારે તેમણે નિયમ મુજબ ₹580 જમા કરાવ્યા હતા.
અરજદારનો દાવો છે કે ફી ભર્યા બાદ પણ TP બ્રાંચ દ્વારા આજદિન સુધી માંગવામાં આવેલી માહિતી આપવામાં આવી નથી. એટલું જ નહીં, વિભાગમાં રજૂઆત દરમિયાન અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાની અને અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
અરજદારે સવાલ ઉઠાવ્યો છે કે જરૂરી ફી ભર્યા પછી પણ માહિતી શા માટે આપવામાં આવી નથી? તેમજ માહિતી જાહેર થતાં વિભાગની કામગીરી અંગે કોઈ અનિયમિતતા બહાર આવશે તેવી આશંકાને કારણે જવાબ અટકાવવામાં આવી રહ્યો છે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
આ મામલે TP બ્રાંચ અથવા રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.









