ઓડિશાથી ગાંજાની ખેપ લાવતી બેલડી ઝડપાઈ; મુખ્ય પેડલર હિતેષ ગોહિલની શોધખોળ તેજ, અગાઉ પણ એક ખેપ પહોંચાડ્યાનો ખુલાસો
રાજકોટ: શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ નશાના કારોબાર સામે વધુ એક મોટી સફળતા મેળવી છે. બામણબોર નજીક અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી ₹7.24 લાખની કિંમતના 14.485 કિલોગ્રામ ગાંજા સાથે રાજકોટના બે સગા ભાઈઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.
ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ હોટલ રામદેવ નજીક વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઇલ ફોન સહિત કુલ ₹7.34 લાખનો મુદ્દામાલ કબજે કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે બંને ભાઈઓ ઓડિશાના કાંટાબાંજીથી ગાંજાનો જથ્થો લઈને ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા, ત્યારબાદ બસ મારફતે બામણબોર આવી પગપાળા રાજકોટ તરફ આગળ વધી રહ્યા હતા. તેઓ ગાંજાની ડિલિવરી કરે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રાજકોટનો હિતેષ ગોહિલ છે, જે દરેક ખેપ બદલ બંને ભાઈઓને ₹20 હજાર ચૂકવતો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અગાઉ પણ એક વખત ગાંજાની ખેપ પહોંચાડી હોવાની કબૂલાત આપી છે.
હાલ પોલીસે ફરાર મુખ્ય આરોપી હિતેષ ગોહિલ તેમજ ગાંજાની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર નાર્કોટિક્સ નેટવર્ક સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધાર્યો છે.









