અમદાવાદ: સતત બીજા દિવસે ધોધમાર વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા, મુખ્ય માર્ગો પર ટ્રાફિક ઠપ્પ થયો અને રહેણાંક સોસાયટીઓના પાર્કિંગમાં વાહનો ડૂબી ગયા.
ચાંદખેડામાં સૌથી વધુ 2 ઇંચ જ્યારે ગોતા, મેમ્કો, નરોડા અને એરપોર્ટ વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્રાગડ રોડ, IOC રોડ, ડી-કેબીન રોડ સહિતના માર્ગો પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત બન્યો હતો.
શહેરના 17 અંડરબ્રિજમાંથી 9માં પાણી ઉતરતાં વાહનવ્યવહાર ફરી શરૂ કરાયો છે, જ્યારે 8 અંડરબ્રિજ હજુ પણ બંધ રાખવામાં આવ્યા છે. ખોખરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલી બસમાંથી ફાયર બ્રિગેડે 55 મુસાફીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં હજારો રહેવાસીઓ પાણી ભરાવાથી પ્રભાવિત થયા છે, જ્યારે શેલા વિસ્તારમાં એક રહેણાંક સ્કીમના પાર્કિંગમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
રાજ્યભરમાં ભારે વરસાદને પગલે NDRF, SDRF અને અન્ય બચાવ દળો સતત કામગીરીમાં જોડાયેલા છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.








