નવી દિલ્હી: નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં વધી રહેલા વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસમાં બીજી વખત આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશના યુવાનોનું ભવિષ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પેપર લીક કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં વડાપ્રધાને જણાવ્યું કે પેપર લીકના તમામ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે, જેથી દોષિતોને વહેલી તકે કડક સજા મળી શકે. આ માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.
નીટ પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર સહિત દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે, જ્યારે સંસદમાં પણ આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ યથાવત છે. સતત વધી રહેલા દબાણ વચ્ચે વડાપ્રધાનનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.








