રાજકોટ PCBનો મેગા ઓપરેશન: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સિન્ડિકેટનો ભાંડો ફૂટ્યો

9 દિવસમાં 20 આરોપીઓ ઝડપાયા, 38 દેશી હથિયારો જપ્ત; મધ્યપ્રદેશથી સંચાલિત આંતરરાજ્ય નેટવર્કનો ખુલાસો

રાજકોટ: રાજકોટ પોલીસની PCB શાખાએ ગેરકાયદેસર હથિયારોના વેપાર સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં સૌરાષ્ટ્રમાં સક્રિય આંતરરાજ્ય હથિયાર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. સતત નવ દિવસ સુધી ચાલેલા ઓપરેશનમાં પોલીસે 20 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે તેમની પાસેથી 38 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે સમગ્ર હથિયાર સપ્લાય નેટવર્કનું સંચાલન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સકીલ મન્સુરી દ્વારા કરવામાં આવતું હતું. આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયારો મંગાવી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરતા હતા.

પોલીસ તપાસમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં હથિયારોનું મોટું રેકેટ સક્રિય હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સ્થાનિક શખ્સોને ગેરકાયદેસર હથિયારો પહોંચાડતા હોવાની પણ માહિતી મળી છે.

PCB હવે મુખ્ય સૂત્રધારો, સપ્લાય ચેઇન, ખરીદદારો અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસ વધુ તેજ બનાવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીથી સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail