અમેરિકા-ઇરાન વચ્ચે હુમલા-પ્રતિહુમલાનો સિલસિલો તેજ; વ્યૂહાત્મક વિસ્તારોમાં તણાવ ચરમસીમાએ
તેહરાન/વોશિંગ્ટન: મધ્યપૂર્વમાં અમેરિકા અને ઇરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં બે તેલ ટેન્કરો પર હુમલા બાદ બંને જહાજોમાં આગ ભભૂકી ઊઠ્યાના અહેવાલો સામે આવ્યા છે. સાથે જ ઇરાને અમેરિકી સૈન્ય હિતોને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે, જ્યારે અમેરિકાએ ઇરાનના અનેક વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓ પર વધુ હુમલાઓ કર્યા હોવાનું જણાવ્યું છે.
ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના જણાવ્યા મુજબ બહેરીનમાં આવેલી અમેરિકી એર ડિફેન્સ અને રડાર સિસ્ટમોને નિશાન બનાવવામાં આવી હતી. ઉપરાંત કુવૈત અને અન્ય વિસ્તારોમાં પણ અમેરિકી સૈન્ય માળખા સામે કાર્યવાહી કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે તેવી ચેતવણી આપતાં જણાવ્યું કે ઇરાન દરેક પ્રકારના હુમલાનો જવાબ આપવા સંપૂર્ણ રીતે તૈયાર છે.
બીજી તરફ અમેરિકાએ ઇરાનના સૈન્ય કમાન્ડ સેન્ટર, ડ્રોન લોન્ચિંગ સાઇટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમોને નિશાન બનાવી સતત હુમલાઓ ચાલુ રાખ્યા છે. અહેવાલો મુજબ ચાબહાર, કોનારક, બંદર અબ્બાસ, બુશેહર અને કેશમ આઇલેન્ડ નજીક પણ વિસ્ફોટો નોંધાયા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનું કહેવું છે કે આ કાર્યવાહી ઇરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાના હેતુથી કરવામાં આવી રહી છે, જ્યારે ઇરાન તેનો જવાબ વ્યૂહાત્મક સ્થળોએ આપી રહ્યું હોવાનું દાવો કરે છે.
હુમલા અને પ્રતિહુમલાની આ શ્રેણી બાદ હોર્મુઝની સામુદ્રધુની સહિત સમગ્ર મધ્યપૂર્વમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. વૈશ્વિક સ્તરે પણ સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને સંઘર્ષ વધુ વિસ્તરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.









