અનાજ ભરેલા વેપારી જહાજને નિશાન બનાવાયું; ભારતે વ્યક્ત કર્યું દુઃખ, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા પર ઉઠ્યા સવાલ
નવી દિલ્હી: યુક્રેનના ઓડેસા બંદર નજીક કાળા સાગરમાંથી પસાર થઈ રહેલા વેપારી કાર્ગો જહાજ પર રશિયાએ મિસાઇલ હુમલો કરતાં ચાર ભારતીય નાવિકોના મોત થયા છે, જ્યારે એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો છે. હુમલા બાદ ભારત સરકારે ઊંડું શોક વ્યક્ત કરી વેપારી જહાજો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે.
માહિતી મુજબ, તુર્કીની માલિકીનું અને ગિની-બિસાઉના ધ્વજ હેઠળ સંચાલિત ‘ગોલ્ડન લિયો’ નામનું જહાજ યુક્રેનમાંથી અનાજનો જથ્થો લઈને નીકળી રહ્યું હતું. તે દરમિયાન રશિયાની Kh-59/Kh-69 ક્રૂઝ મિસાઇલો જહાજ પર ત્રાટકતાં જહાજને ભારે નુકસાન પહોંચ્યું હતું.
જહાજમાં કુલ 17 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં પાંચ ભારતીય અને અન્ય સીરિયન નાગરિકો હતા. હુમલામાં એક યુક્રેનિયન નેવિગેટરનું પણ મોત થયું છે, જ્યારે ઘાયલ ભારતીય નાવિકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
ભારતના વિદેશ મંત્રાલયે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું કે યુક્રેનમાં આવેલું ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે. સાથે જ વેપારી જહાજો પર હુમલા અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોને જોખમમાં મૂકતી કાર્યવાહીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ ઘટના બાદ રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોની સંખ્યા 53 પર પહોંચી છે. અગાઉ રશિયન સેનામાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરતા 49 ભારતીયોના મોત થયા હતા. ઉપરાંત, આ વર્ષે ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં પણ 14 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનું નોંધાયું છે.
યુક્રેનના વિદેશ મંત્રી એન્દ્રી સિબિહાએ હુમલાની આકરી નિંદા કરતાં જણાવ્યું કે વેપારી જહાજોને નિશાન બનાવવું આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે અને આવા હુમલાઓ વૈશ્વિક દરિયાઈ વેપાર માટે ગંભીર ખતરો ઊભો કરે છે. છેલ્લા કેટલાક સમયથી સમુદ્રી વેપાર માર્ગો પર વધી રહેલા હુમલાઓને કારણે વૈશ્વિક સુરક્ષા અને સપ્લાય ચેઇન અંગે ચિંતા વધુ ગાઢ બની રહી છે.









