તાપીમાં લાકડા ચોરીનો પીછો જીવલેણ બન્યો: RFO વિકાસ દેસાઈ સહિત બેના કરુણ મોત

સોનગઢ નજીક કન્ટેનર સાથે ઇનોવાની ભીષણ ટક્કર; ગેરકાયદેસર લાકડાની હેરાફેરી રોકવા નીકળેલી ટીમને મોટો આઘાત

તાપી: ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે કાર્યવાહી દરમિયાન તાપી જિલ્લામાં દુઃખદ અકસ્માત સર્જાયો છે. શંકાસ્પદ લાકડા ભરેલા વાહનનો પીછો કરતી વન વિભાગની ઇનોવા કાર સોનગઢ ચેકપોસ્ટ નજીક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને કાર ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, વન વિભાગને ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળતા RFO વિકાસ દેસાઈ પોતાની ટીમ સાથે કાર્યવાહી માટે નીકળ્યા હતા. આ દરમિયાન શંકાસ્પદ વાહનનો પીછો કરતી ઇનોવા કાર સોનગઢ ચેકપોસ્ટ નજીક અકસ્માતનો ભોગ બની હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ ચકનાચૂર થઈ ગયો હતો અને RFO વિકાસ દેસાઈ સહિત કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ, વન વિભાગ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

આ બનાવ અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધી અકસ્માતના કારણો તેમજ ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સાથે સંકળાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.

વન વિભાગના ફરજનિષ્ઠ અધિકારીના આ દુઃખદ અવસાનથી વિભાગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે ચાલી રહેલી કાર્યવાહીમાં બનેલી આ ઘટના સમગ્ર તંત્ર માટે પણ મોટો આઘાત માનવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail