ગિરનાર યાત્રા માટે નવી સુરક્ષા વ્યવસ્થા અમલમાં: હવે IN-OUT રજીસ્ટ્રેશન ફરજિયાત

ગિરનાર પર જતાં અને પરત ફરતાં દરેક યાત્રાળુની ઓનલાઈન નોંધણી થશે; ભવનાથ વિસ્તારમાં ત્રણ દિવસ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં

જૂનાગઢ: ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા જિલ્લા વહીવટી તંત્રે નવી IN-OUT Registration System અમલમાં મૂકી છે. તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાના અનુસંધાને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. હવે ગિરનારની મુલાકાત લેતા દરેક યાત્રાળુ માટે પ્રવેશ અને બહાર નીકળતી વખતે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

નવી વ્યવસ્થા મુજબ નવી સીડી, જૂની સીડી અથવા રોપવે મારફતે ગિરનાર જતાં પહેલાં યાત્રાળુઓએ QR કોડ સ્કેન કરીને ‘IN એન્ટ્રી’ નોંધાવવી પડશે અને દર્શન પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે ‘OUT એન્ટ્રી’ કરાવવી પડશે. સ્માર્ટફોન ન હોય તેવા યાત્રાળુઓ માટે સ્થળ પર જ ઓફલાઈન નોંધણીની પણ સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.

ઓનલાઈન નોંધણી માટે Register.bhavnathtemple.com વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રે દરેક યાત્રાળુને પોતાની સાથે માન્ય ઓળખપત્ર રાખવાની પણ અપીલ કરી છે.

જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને જિલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરાયેલી આ સિસ્ટમ જિલ્લા NIC ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ યાત્રાળુઓની અવરજવર પર નજર રાખવી, સુરક્ષા સુનિશ્ચિત કરવી અને કોઈપણ ઇમરજન્સીમાં ઝડપી રાહત પહોંચાડવાની છે.

બીજી તરફ, દિલ્હીથી શરૂ થયેલી શ્રી નેમિ ગિરનાર ધર્મયાત્રાને ધ્યાનમાં રાખીને 19થી 21 જુલાઈ, 2026 દરમિયાન ભવનાથ વિસ્તાર અને ગિરનારની પાંચમી ટૂંક સુધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણ, સૂત્રોચ્ચાર, ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ, લાઉડસ્પીકર અથવા વાજિંત્રોના ઉપયોગ તેમજ ઘાતક હથિયારો કે શંકાસ્પદ વસ્તુઓ સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. નિયમોના ભંગ બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail