દોરાના બોક્સની આડમાં દમણથી લવાતો જથ્થો ઝડપાયો; કુલ રૂ.64.62 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલકની ધરપકડ
રાજકોટ: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (રૂરલ એલસીબી)ને મોટી સફળતા મળી છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પિતૃકૃપા હોટલ નજીકથી પોલીસે રૂ.34.05 લાખનો વિદેશી દારૂ અને બિયર ભરેલો ટ્રક ઝડપી પાડી કુલ રૂ.64.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી વિશેષ કામગીરી દરમિયાન રૂરલ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે GJ-25-U-9934 નંબરનો ટ્રક ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે.
બાતમીના આધારે પોલીસે શાપર-વેરાવળ વિસ્તારમાં હાઇવે પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થતાં જ તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દોરાના બોક્સની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની 6,491 દારૂની બોટલો, 984 બિયર ટીન તેમજ દારૂ છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલા 259 દોરાના ખાલી બોક્સ કબજે કર્યા હતા.
આ કાર્યવાહીમાં ટ્રકના ચાલક ભરત હમીર મોરી (ઉ.વ.22), રહે. વાંસજાળીયા, જામજોધપુરની ધરપકડ કરવામાં આવી હતી. દારૂ-બિયર, ટ્રક અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.64.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો હતો કે દારૂનો જથ્થો ઉપલેટાના કરણ રબારીના કહેવાથી દમણમાંથી અજાણ્યા શખ્સોએ ટ્રકમાં ભરાવ્યો હતો અને તેને પોરબંદર પહોંચાડવાનો હતો. આ માહિતીના આધારે પોલીસે કરણ રબારી, દારૂ સપ્લાય કરનાર શખ્સો અને ટ્રકના માલિકની શોધખોળ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી રૂરલ એલસીબીના પી.આઈ. જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.









