2022નો રેકોર્ડ જાળવી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક; સરકાર-સંગઠનને ગ્રાઉન્ડ લેવલે સક્રિય થવા સૂચના
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આગામી 2027ની ચૂંટણીને હજુ અંદાજે દોઢ વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની મુલાકાત દરમિયાન પક્ષના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે લગભગ બે કલાક સુધી રાજ્યના ટોચના નેતાઓ સાથે મેરેથોન બેઠક યોજી આગામી ચૂંટણી માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ પક્ષના ચારેય મહામંત્રીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સરકાર અને સંગઠન વચ્ચે વધુ અસરકારક સંકલન ઉભું કરવા અને સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
અમિત શાહે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અને 2022ની વિધાનસભા ચૂંટણીના મતવિસ્તારવાર આંકડાઓનું વિશ્લેષણ કરીને જ્યાં પક્ષનું પ્રદર્શન નબળું રહ્યું હતું તેવા વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી. તેમણે રાજકીય પડકારોની સાથે રાજ્ય સામે ઉભા થઈ શકે તેવા વહીવટી અને કુદરતી પડકારો પ્રત્યે પણ સતર્ક રહેવા ભાર મૂક્યો હતો.
ખાસ કરીને અનિશ્ચિત ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને સંગઠન બંનેએ પરિસ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું, જેથી કોઈ પણ સંજોગોમાં જનતાને સમયસર સહાય અને અસરકારક વહીવટ મળી રહે.
ભાજપે સંગઠન મજબૂત બનાવવા માટે ખાસ કાર્યયોજનાની પણ શરૂઆત કરી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા દરરોજ એક વિધાનસભા બેઠકની મુલાકાત લેવામાં આવશે, જ્યારે ઝોન મુજબના મહામંત્રીઓ પોતાના વિસ્તારમાં નબળી બેઠકો પર વિશેષ ફોકસ કરીને સતત ફીડબેક સરકાર અને સંગઠન સુધી પહોંચાડશે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે વિધાનસભાની તમામ બેઠકોને ત્રણ અલગ-અલગ શ્રેણીમાં વર્ગીકૃત કરીને તેના આધારે વ્યૂહરચના તૈયાર કરી છે. દરેક બેઠકનો પ્રોગ્રેસ રિપોર્ટ સતત અપડેટ કરવામાં આવશે અને તે આધારે આગામી ચૂંટણી માટેની રણનીતિ વધુ મજબૂત બનાવવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના તમામ 162 ભાજપના ધારાસભ્યોનું ચાર વર્ષનું પરફોર્મન્સ રિપોર્ટ કાર્ડ પણ તૈયાર કરવામાં આવશે. ઝોન મહામંત્રીઓ અને સંબંધિત લોકસભા સાંસદોના સંકલનથી તૈયાર થનારો આ અહેવાલ માર્ચ 2027 સુધી પૂર્ણ કરવામાં આવશે, જેના આધારે આગામી ચૂંટણી માટે ઉમેદવારી અને સંગઠનાત્મક નિર્ણયો લેવામાં આવશે.









