નવી દિલ્હી: ભારતના બેંકિંગ ક્ષેત્રમાં અત્યાર સુધીની સૌથી મોટી વિનિવેશ ડીલને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. કેનેડાની અગ્રણી રોકાણ કંપની ફેરફેક્સ હોલ્ડિંગ્સ હવે સરકારી ક્ષેત્રની IDBI બેંકમાં નિયંત્રણકારી હિસ્સો ખરીદશે. આ ઐતિહાસિક સોદાની કુલ કિંમત આશરે ₹53,000 કરોડ હોવાનું માનવામાં આવે છે.
નાણાં મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠકો બાદ ફેરફેક્સ હોલ્ડિંગ્સે પોતાની ઓફર સુધારી ₹81 પ્રતિ શેર કરી હતી, જેને સરકારે મંજૂરી આપી છે. ભારતીય મૂળના કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સની માલિકીની કંપની દ્વારા કરવામાં આવી રહેલો આ સોદો ભારતના બેંકિંગ ઇતિહાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ સાબિત થશે.
આ ડીલ હેઠળ કેન્દ્ર સરકાર IDBI બેંકમાં રહેલો પોતાનો 45.48 ટકા હિસ્સામાંથી 30.48 ટકા હિસ્સો વેચીને અંદાજે ₹26,620 કરોડની આવક મેળવશે. સાથે જ સહ-પ્રમોટર LIC પણ પોતાનો 30.24 ટકા હિસ્સો વેચશે. બંને હિસ્સા મળીને ડીલનું કુલ મૂલ્ય આશરે ₹53 હજાર કરોડ (5.5 અબજ ડોલર) સુધી પહોંચશે.
સોદો પૂર્ણ થયા બાદ ફેરફેક્સ હોલ્ડિંગ્સ દ્વારા સેબીના નિયમો અનુસાર સામાન્ય શેરધારકો માટે ઓપન ઓફર પણ જાહેર કરવામાં આવશે.
અગાઉ વર્ષ 2025માં Emirates NBD દ્વારા RBL બેંકમાં લગભગ 2.75 અબજ ડોલરનું રોકાણ કરીને 60 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો હતો, જે તે સમયે સૌથી મોટી વિદેશી બેંકિંગ ડીલ હતી. જોકે, IDBI બેંકનો હાલનો સોદો તે રેકોર્ડને પણ પાછળ છોડી દેશે.
ડીલના સમાચાર બાદ શેરબજારમાં રોકાણકારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. IDBI બેંકનો શેર 2.9 ટકા વધીને ₹86.54 પર બંધ થયો હતો. સરકારને આશા છે કે આ વિનિવેશથી ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સરકારી સંપત્તિના વેચાણમાંથી ₹80,000 કરોડ એકત્ર કરવાની યોજના વધુ મજબૂત બનશે.









