ચીનમાં ‘બાવી’ વાવાઝોડાનો વિનાશક કહેર: લાખો લોકોનું સ્થળાંતર, વાહનો તણાયા; ફ્લાઇટ અને ટ્રેન સેવા ઠપ્પ

બેઇજિંગ: ચીનમાં ત્રાટકેલા શક્તિશાળી ‘બાવી’ ટાયફૂને વ્યાપક તારાજી સર્જી છે. પૂર્વી ચીનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને વાવાઝોડાના જોરદાર પવનના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, વાહનો પૂરના પ્રવાહમાં તણાઈ ગયા છે અને પરિવહન વ્યવસ્થા પર ભારે અસર પડી છે.

ચીનના ઝેજિયાંગ સહિતના અનેક પ્રાંતોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર બે મીટર સુધી પાણી ભરાઈ ગયું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પૂરના ધસમસતા પ્રવાહમાં કાર અને અન્ય વાહનો તણાઈ જતા જોવા મળી રહ્યા છે.

વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને ઝેજિયાંગ પ્રાંતમાંથી 20 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. યુએકિંગ સહિતના કિનારાવર્તી વિસ્તારોમાં 1,300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સ્થાનિક તંત્રએ જણાવ્યું છે.

ભારે વરસાદ અને પવનને કારણે અનેક શહેરોમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે, જ્યારે સેકડો ફ્લાઇટ અને ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અને દૈનિક જનજીવન પણ ખોરવાઈ ગયું છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ‘બાવી’ આ વર્ષે ચીનને અસર કરનાર સૌથી શક્તિશાળી વાવાઝોડાઓમાંનું એક રહ્યું છે. જોકે હાલ તેની તીવ્રતા ઘટી રહી છે અને તે હવે ટ્રોપિકલ સ્ટોર્મમાં પરિવર્તિત થયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. તેમ છતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના જોખમને ધ્યાનમાં રાખીને લોકો સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail