યુરોપિયન હવામાન એજન્સીની ચિંતાજનક આગાહી: ગુજરાત સહિત 7 રાજ્યોમાં ઓછા વરસાદની સંભાવના

નવી દિલ્હી: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ ચોમાસામાં પડેલા વિરામ વચ્ચે વરસાદ ક્યારે ફરી સક્રિય થશે તે અંગે વિવિધ હવામાન મોડેલોમાં અલગ-અલગ અનુમાન જોવા મળી રહ્યા છે. આ દરમિયાન યુરોપિયન હવામાન એજન્સી European Centre for Medium-Range Weather Forecasts (ECMWF) દ્વારા જાહેર કરાયેલા નવા મલ્ટી-સિસ્ટમ ફોરકાસ્ટે ચિંતા વધારી છે. એજન્સીએ જુલાઈ માટેના અંદાજમાં ચોમાસાના અનુમાનને વધુ ડાઉનગ્રેડ કર્યું હોવાનું જણાવ્યું છે.

રિપોર્ટ અનુસાર, અલ નીનો (El Niño)ની અસર આગામી મહિનાઓમાં વધુ મજબૂત બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે.

ECMWF દ્વારા ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા અનુમાનમાં જણાવાયું છે કે પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ નબળી રહેવાની સંભાવના છે. જૂન મહિનાની સરખામણીએ જુલાઈના મોડલમાં વરસાદના અનુમાનને વધુ ઘટાડવામાં આવ્યું છે.

અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વ હવામાન સંગઠન (WMO) અને અમેરિકાની NOAA અગાઉ પણ અલ નીનોના વર્ષોમાં ભારતમાં સામાન્ય કરતાં 10થી 12 ટકા ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી ચૂકી છે. વર્તમાન અલ નીનો અગાઉના અંદાજ કરતાં વધુ મજબૂત બની રહ્યો હોવાનું પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

યુરોપિયન એજન્સીના જણાવ્યા મુજબ, આ વખતે Indian Ocean Dipole (IOD) પણ નબળો રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે મજબૂત IOD અલ નીનોની અસર ઘટાડવામાં મદદરૂપ બને છે, પરંતુ હાલ તેની અસર ઓછી હોવાથી વરસાદ પર વધુ નકારાત્મક અસર પડી શકે છે.

રિપોર્ટ અનુસાર, ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની સંભાવના 40થી 60 ટકા સુધી છે. તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યો સૌથી વધુ જોખમવાળા વિસ્તારોમાં સામેલ છે.

જોકે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે લાંબા ગાળાની (2થી 3 મહિના) આગાહીમાં અનિશ્ચિતતા રહેતી હોય છે. જો આગામી સમયમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ મજબૂત બનશે અથવા અન્ય અનુકૂળ હવામાન પરિબળો સક્રિય થશે તો વરસાદની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

Leave a Comment

Traffic Tail