પાલનપુર: બનાસકાંઠાના વિશ્વવિખ્યાત અંબાજી શક્તિપીઠમાં દાનભંડારમાંથી રોકડ રકમની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મંદિરના દાનની ગણતરી દરમિયાન જ એક હંગામી કર્મચારીએ ₹1.04 લાખની ચોરી કરી હોવાનું CCTV ફૂટેજમાં કેદ થયું છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં રાજ્યભરના ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે.
માહિતી મુજબ આ ઘટના 5 મેના રોજ દાનભંડારની નિયમિત ગણતરી દરમિયાન બની હતી. આરોપી ચિરાગ ઠાકોર, જે મંદિરમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો, તેણે ગણતરી દરમિયાન ચાલાકીપૂર્વક ₹500ની નોટોનું એક બંડલ પોતાની પાસે સંતાડી લીધું હતું.
બાદમાં તે બાથરૂમ જવાના બહાને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના ખિસ્સામાંથી નોટોનું બંડલ નીચે પડી ગયું હતું. ઘટનાસ્થળે હાજર કર્મચારીઓ અને અધિકારીઓની નજર પડતાં તરત જ તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ₹500ની 208 નોટો, કુલ ₹1,04,000ની રોકડ મળી આવી હતી.
ઘટનાની જાણ થતાં મંદિર ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. અધિક કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોરની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ અન્ય બે વ્યક્તિઓની સંડોવણી હોવાની કબૂલાત આપતાં વિવેક શર્મા અને નિકુંજ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે બંને સહ-આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હવે સમગ્ર કાવતરું, અન્ય સંભવિત સંડોવણી અને ચોરી પાછળના હેતુ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિરના દાનભંડારમાંથી ચોરીની ઘટના સામે આવતાં ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.









